પંજાબના સપ્તસિંઘુ પ્રદેશ ‘લેયા’ પ્રદેશમાંથી આવેલા કૂર્મિ ક્ષત્રિયો લેઉઆ કહેવાયા અને ‘કરડ’પ્રદેશમાંથી આવેલા કૂર્મિ ક્ષત્રિયો ‘કડવા’ કહેવાયા. ‘લેયા’એ લવએ વસાવેલી નગરી અને ‘કરડ’કુશએ વસાવેલી નગરી હોવાનું કહેવાય છે.
પટેલ શબ્દનું મૂળ પટલિક
શ્રી હર્ષવર્ધન મહારાજાના ઈ.સ. ૬૩૧ના એક લેખમાં તથા બીજા કેટલાક લેખોમાં અક્ષપટલિક નામના એક અધિકારીનું નામ મળે છે. કેટલાક લેખોમાં મહાક્ષપટલિક અને ગ્રામાક્ષ પટલિક શબ્દો મળી આવે છે. પ્રબંધચિંતામણીમાં જ્યાં રાજકીય લખાણો થતાં હોય તે સ્થાનને અક્ષપટલ કહ્યું છે. સોલંકી તામ્રપત્રોમાં લેખક અક્ષપટલિક હોય છે.
મુખી
ગુજરાતના મુસલમાન સુલતાનોના સમયમાં (ઈ.સ. ૧૪૧૨થી ઈ.સ. ૧૫૭૩) ગામડાંઓમાં સરકારના મુખ્ય માણસ તરીકે મુખી નીમવામાં આવતા. મુખી એટલે મુખત્યાર, નેતા અથવા આગેવાન. મુખી શબ્દ અરબી ભાષાના મુક્તા શબ્દમાંથી આવ્યો છે.
પટેલ શબ્દની શરૃઆત
આવા મુખીને માનવંતા શબ્દોમાં પટલિક, અક્ષપટલિક અને અક્ષપટલ શબ્દના અપભ્રંશ તરીકે પટેલ કહેવા લાગ્યા. ક્રમે ક્રમે મુખીના (પટેલનાં) સગાંવહાલાં અને સંબંધીઓ પણ પટેલ કહેવાવા લાગ્યા. ગુજરાતમાં પટેલ શબ્દની શરૃઆત લગભગ ઈ.સ. ૧૪૦૦ પછી થયેલી જણાય છે. ઈ.સ. ૧૪૦૦ સુધી ગુજરાતના બધા જ પટેલો કણબી કહેવાતા હતા.
પટેલ શબ્દ અટક છે- જ્ઞાતિ નથી
પટેલ શબ્દ કણબી ઉપરાંત વાણિયા, બ્રાહ્મણ, મુસલમાન, હરિજન, દરજી, મોચી અને લગભગ બધી જ્ઞાતિઓના મુખી તેમજ જ્ઞાતિના આગેવાનો માટે વપરાવા લાગ્યો. પણ હાલમાં બીજી જ્ઞાતિઓમાં પટેલ શબ્દનો વપરાશ ઓછો થયો છે. હાલમાં ફક્ત કણબીઓને જ પટેલ કહે છે. આમ પટેલ શબ્દ એ કણબીઓની અટક છે, જ્ઞાતિ નથી.
કણબી અને પાટીદાર એ જ્ઞાતિ છે. મહારાષ્ટ્રમાં પટલિક ઉપરથી પાટિલ શબ્દ છે.
ગુજરાતમાં પાટીદાર શબ્દની શરૃઆત- પાટીદાર શબ્દનું મૂળ :
ગુજરાતમાં પટેલ શબ્દની શરૃઆત થયે લગભગ ૩૦૦ વર્ષ થઈ ગયાં હતાં. એ અરસામાં પીંપળાવ (જિ. ખેડા)માં વીર વસનદાસ નામે એક પટેલ હતા. તેઓ તે સમયના મોગલ બાદશાહ ઔરંગઝેબ સાથે સારો સંબંધ ધરાવતા હતા. તેમણે ધોળકા, માતર અને પેટલાદ તાલુકાનું મહેસૂલ ઉઘરાવવાનો ઈજારો મેળવ્યો હતો. તેમણે સંવત ૧૭૫૯ (ઈ.સ. ૧૭૦૩)માં પીંપળાવમાં સમસ્ત કણબી કોમનો એક મેળાવડો યોજ્યો. આ મેળાવડામાં ઔરંગઝેબના શાહઝાદા બહાદુરશાહને આમંત્રણ આપ્યું. આ મેળાવડામાં વીર વસનદાસે બાદશાહના દફતરમાં કણબીને બદલે પાટીદાર શબ્દ દાખલ કરાવ્યો.
(પાટીદાર= પત્તિદાર = પટ્ટદાર = જમીનદાર, પાટી = જમીનદાર = હોવું, પાટીદાર એટલે જેની પાસે જમીન હોય તે.)
પાટીદાર શબ્દનો અર્થ
પાટીદારનો અર્થ જમીન ધારણ કરનાર એવો થાય છે. પાટી= જમીન, દાર = ધારણ કરનાર, પાટી એ સંસ્કૃતમાંથી બનેલો પ્રાકૃત અને અપભ્રંશ શબ્દ છે, દાર એ ઈરાની ભાષાના દાસ્તન, દાર એટલે ધારણ કરવું એ ક્રિયાપદનું આજ્ઞાર્થ રૃપ છે.
વીર વસનદાસે કણબીને બદલે પાટીદાર શબ્દ જેવો મોટો ફેરફાર ઈ.સ. ૧૭૦૩માં કરાવ્યો હતો. છતાં ઈ.સ. ૧૯૦૦ સુધી ગુજરાતમાં પાટીદારો માટે કણબી શબ્દ બહુ પ્રચલિત હતો. પાટીદારોએ મહેસૂલ ઉઘરાવવાના ઈજારા લીધા અને અમીન તથા દેસાઈ બન્યા. વીર વસનદાસના સમયમાં કેટલાક નાગર બ્રાહ્મણો ગામડાંઓમાંથી મહેસૂલ ઉઘરાવવાના ઈજારાઓ રાખતા. આ નાગર બ્રાહ્મણો પાટીદારો ઉપર ખૂબ જુલ્મ કરતા. તેમની પાસે વેઠ કરાવતા અને મહેસૂલના નામે વખતોવખત તેમની મિલકતો પણ પડાવી લેતા. વીર વસનદાસે દિલ્હીના મોગલ બાદશાહ અને ગુજરાતના મોગલ સૂબાઓ પાસે લાગવગ વાપરીને મહેસૂલ ઉઘરાવવાના ઈજારાઓ પાટીદારોને અપાવ્યા. આ ઈજારાઓ રાખનાર પાટીદારો અમીન કહેવાયા. પેશ્વાના વખતમાં મહેસૂલ એકઠું કરનાર ઈજારદારો દેસાઈ કહેવાયા, આમ પાટીદારોમાં પટેલ ઉપરાંત અમીન અને દેસાઈ અટકો ચાલુ થઈ. વીર વસનદાસ ગુજરાતના પહેલા અમીન હતા.વીર વસનદાસ ગુજરાતના ગામડે ગામડે ફર્યા. ગુજરાતના ગામડાંઓના પટેલોને અમીનાત અપાવી. તેમણે ગરીબ પાટીદાર ખેડૂતોને ગામડે ગામડે કૂવાઓ કરાવી આપ્યા.આ રીતે તેમણે ગુજરાતના પાટીદારો ગામડાંઓમાં સ્થિર, સુખી અને સમૃદ્ધ બને તેવા પ્રયત્નો કર્યા.
પાટીદારોની અટકો
હાલમાં ગુજરાતના લેઉવા અને કડવા પાટીદારોમાં પટેલ, અમીન અને દેસાઈ આ ત્રણ મુખ્ય અટકો છે. સૌરાષ્ટ્ર અને કચ્છના પાટીદારોમાં તેમનાં જૂનાં સ્થળ અને ધંધા ઉપરથી અનેક અટકો ચાલે છે. સુરત, વલસાડ અને બારડોલીમાં પણ પાટીદારોના ધંધા ઉપરથી અનેક અટકો ચાલુ થઈ છે.
છેલ્લાં દસ વર્ષથી સૌરાષ્ટ્ર, કચ્છ અને સુરત વલસાડના પાટીદારો તેમની જુદી જુદી અટકોનો ત્યાગ કરી પટેલ અટક લખાવે છે અને જ્ઞાતિમાં લેઉવા કણબી અને કડવા કણબી શબ્દોને બદલે લેઉવા અને કડવા પાટીદાર લખાવે છે. આમ આખા ગુજરાતમાં હાલમાં પાટીદારોની એક જ અટક પટેલ છે.
પાટીદાર ગોળ
ઈ.સ. ૬૦૦ સુધી લેઉવા અને કડવા પાટીદારોમાં આંતરિક લગ્ન થતાં હતાં. પણ ઈ.સ. ૬૦૦ પછી ગુજરાતમાં ચાવડા અને સોલંકી રાજાઓના સમયમાં લેઉઆ અને કડવા પાટીદારોના સામાજિક રીતરિવાજોમાં એકાએક અજાયબ જેવા મોટા ફેરફારો થયા.આવા ઝડપી સામાજિક ફેરફારોને લીધે લેઉવા અને કડવા પાટીદારોનાં આંતરિક લગ્ન બંધ થયાં. આમ લેઉવા અને કડવા પાટીદારોનાં આંતરિક લગ્ન બંધ થતાં ધીમે ધીમે લેઉવા અને કડવા એમ બે સ્પષ્ટ પેટા જ્ઞાતિઓ પડી ગઈ.
આજથી ૫૦૦ વર્ષ પહેલાં બધા જ પાટીદારો એક જ સરખા ખેડૂતો હતા. તેમની પાસે વેપાર, ઉદ્યોગ, નોકરી કે શહેરીજીવન જેવું કંઈ જ હતું નહી. બધા પાટીદારો ગામડાંઓમાં રહેતા અને ખેતી કરતા.
કુળની દૃષ્ટિએ કોઈ ઊંચા કે નીચા હતા નહી, કન્યાઓની લેવડદેવડની બાબતમાં કોઈ વાડાબંધી, ગોળ કે જથ્થા હતા નહિ. બધા જ કડવા અને લેઉવા પાટીદારો પોતપોતાની અનુકૂળતા મુજબ આખા ગુજરાતમાં કન્યાઓની આપ-લે કરતા.
અમદાવાદના કુળવાન પાટીદારો
પણ ઈ.સ.૧૪૧૩માં અમદાવાદ શહેરની સ્થાપના થઈ. ગામડાના સુખી અને બુદ્ધિજીવી પાટીદારો અમદાવાદ શહેરમાં આવવા લાગ્યા. તેઓ શહેરમાં આવીને વેપાર, ઉદ્યોગ અને નોકરીઓમાં જોડાયા. અમદાવાદમાં પોતાનાં મકાનો બાંધ્યાં, સ્થાયી વસવાટ કર્યો અને આમ શહેરના પાટીદારો સુખી અને સમૃદ્ધ બનતાં કુળવાન અને ઊંચા ગણાવા લાગ્યા.અમદાવાદના આવા સુખી અને કુળવાન પાટીદારોને કન્યાઓ આપવા માટે ગામડાના
પાટીદાર ખેડૂતો પડાપડી કરવા લાગ્યા. પરિણામે શહેરના પાટીદારો ગામડામાં પરણવા જતાં પરઠણ અને દહેજ લેવા માંડયા અને વધુ નાણાં મેળવવા માટે એક કરતાં વધુ સ્ત્રીઓ પરણવા માંડયા. આ સમયે એક પત્નીવ્રતનો કાયદો હતો નહિ.ગામડાના ખેડૂતોને દીકરીઓ પરણાવવા ખૂબ ખર્ચ થવા માંડયું. પરિણામે ગામડાના પાટીદારોમાં દીકરીનો જન્મ એક મોટી આફત ગણાવા માંડી.છેવટે ગામડાના પાટીદારો જાગ્યા, સમજ્યા અને ઈ.સ. ૧૭૦૦ના અરસામાં ફક્ત લેઉવા પાટીદારોએ અમદાવાદમાં કન્યાઓ નહીં આપવાનું નક્કી કર્યું.આ સમયે ગામડાંના કડવા પાટીદારો અમદાવાદના કડવા પાટીદારોને કુળવાન ગણતા અને ખૂબ ખર્ચ કરીને પોતાની દીકરીઓ અમદાવાદના પાટીદારોને આપતા.અમદાવાદના કડવા પાટીદારોને કુળવાન માનવાનો રિવાજ ઈ.સ. ૧૯૩૦ સુધી ચાલ્યો. ઈ.સ. ૧૯૧૦થી ઈ.સ. ૧૯૭૦ સુધીમાં આ રિવાજ ધીમે ધીમે ઓછો થયો. તે પછી ગામડાના પાટીદારો અમદાવાદના કહેવાતા કુળવાન પાટીદારોને ઊંચા ગણતા નહીં અને પોતાની દીકરીઓ દુખી થાય તેવી રીતે અમદાવાદના પાટીદારોને આપતા નહોતા.
પરઠણ અને દહેજની શરૃઆત
પણ આ સમયે ગામડાઓમાં બીજી એક અસમાનતા ઊભી થઈ હતી. કેટલાંક ગામોનાં મોટાં કુટુંબોએ અમીનાત અને દેસાઈગીરી મેળવ્યાં હતાં. આ ગામોના પાટીદારોને ઈલ્કાબ ઉપરાંત કેટલીક જમીનો અને ગામો ઈનામમાં મળ્યાં હતાં. જે પાટીદારોએ અમીનાત અને દેસાઈગીરી મેળવ્યાં હતાં તેમની આવક ખૂબ વધી ગઈ. તેઓ જાતે ખેતી કરતા નહીં પણ બીજા ખેડૂતો પાસે ખેતી કરાવી તેમની પાસેથી ખેતીના પાકમાંથી ભાગ લેતાં.આમ ગામડાંના પાટીદારોમાં એક સુખી વર્ગ ઊભો થયો.આ સંજોગોમાં સાધારણ સ્થિતિના પાટીદારો ગામડાંના અમીનો અને દેસાઈઓને કન્યાઓ આપવા પડાપડી કરવા માંડયા અને પાટીદારોમાં પરઠણ અને દહેજની રકમ વધવા માંડી. જે ગામો ઊંચાં અથવા કુળવાન મનાતાં હતાં. તેમણે ઈ.સ. ૧૮૦૦ પછી પોતાની કન્યાઓ પોતાનાં ગામો બહાર ન આપવાનો વ્યવહાર ઊભો કર્યો. વધારામાં તેઓ બહારનાં નાનાં ગામોમાંથી મોટી પરઠણ લઈને કન્યાઓ લેતા. આમ કન્યાઓની લેવડદેવડ માટે મોટી અસમાનતા ઊભી થઈ.ઈ.સ. ૧૮૪૯માં નડિયાદ, મહુધા, ઓડ, સુણાવ, ઉત્તરસંડા, આણંદ, અલિદ્રા, વાંઠવાડી, વીરસદ અને બોરસદ એ દસ ગામોના પાટીદારો ખેડા જિલ્લાના કલેક્ટરને રૃબરૃમાં મળ્યા અને પરઠણમાં કોઈએ રૃ. ૩૦૧થી વધારે રકમ ન આપવી તેમ નક્કી કર્યું. ત્યારબાદ પેટલાદ તાલુકાના પાટીદારોએ મામલતદાર સમક્ષ પરઠણની રકમ રૃ. ૩૧૧ નક્કી કરીને સહી કરી. અમદાવાદ જિલ્લાના ઊંચા અને કુળવાન કહેવાતા કડવા અને લેઉવા પાટીદારોએ પણ કલેક્ટર સમક્ષ સહીઓ કરી. પણ પરઠણની રકમનું કોઈએ પાલન કર્યું નહિ. કન્યાઓ પરણાવવામાં ખૂબ ખર્ચ થવા માંડયું. છેવટે આ વિષય ઉપર વિચાર કરવા ઈ.સ. ૧૮૬૯માં ડાકોરમાં ખેડા અને અમદાવાદ જિલ્લાના લેઉવા પાટીદારોનું એક પંચ મળ્યું.
પાટીદારોનો પહેલો ગોળ (ઈ.સ. ૧૮૬૯) :
આ પંચમાં નડિયાદ, વસો, સોજિત્રા સાથે સાડા પંદર ગામોએ પોતાનો એક ગોળ, અથવા જથ્થો જાહેર કર્યો. તેમણે પરઠણની રકમ રૃ. ૩૧૧ નક્કી કરી દસક્રોઈ અને વાક્યના પાટીદારો તેમને કન્યા આપે તો તેમના માટે રૃ. ૪૦૧ નક્કી કર્યા. કાનમ અને બીજા કોઈ પણ ગામો નડિયાદના ગોળને કન્યા આપે તો પરઠણની રકમ રૃ. ૪૫૧ નક્કી કર્યા.
આ બધું ખોટું છે આમાં ઘણા બધા મતો છે તેથી કંઇજ સાબિત થતું નથી
ReplyDelete