Monday, November 16, 2009

history of patel 3

સિદ્ધરાજના સમયમાં અડાલજના રામજી પટેલ પાટણ, વાલમ, બાલિસણા, મણુંદ, રણુજ વગેરે પાટણવાડાનાં લેઉવા પાટીદારોનાં ગામોના આગેવાન હતા. સિદ્ધરાજના દરબારમાં તેમનું સારું માન હતું. સિદ્ધરાજ રાજ્યનાં ગામોમાં ફરવા નીકળતા ત્યારે રામજી પટેલ ઘણીવાર તેમની સાથે જતા. એક વખત સિદ્ધરાજ અને રામજી પટેલ શિકાર કરતાં કરતાં હાલના અડાલજ સુધી આવી પહોંચ્યા. તે વખતે અડાલજમાં કેટલાંક પાટીદાર ખેડૂતોનાં ઘર હતાં. છતાં અડાલજની આજુબાજુનો અને મધ્ય ગુજરાતનો ઘણો પ્રદેશ ઉજ્જડ અને વેરાન હતો. આથી સિદ્ધરાજે અડાલજમાં વધારે ખેડૂત કુટુંબો વસાવી આ પ્રદેશનો વિકાસ કરવાની યોજના ગોઠવી. આ કામમાં રામજી પટેલે સિદ્ધરાજને મદદ કરી. રામજી પટેલ પાટણવાડાથી ઘણાં પાટીદાર કુટુંબો લઈને અડાલજ આવ્યા. અડાલજથી દસ્ક્રોઈ, ભાલ, ચરોતર, કાનમ, વાકળ વગેરે પ્રદેશોમાં પાટીદારો વસાવ્યા.

સ્કંદપુરાણમાં અડાલજને અડ્ડાલય નામે રાક્ષસીનું વધસ્થળ બતાવવામાં આવ્યું છે. આ શ્લોકમાં અડાલજ ગામ માટે અટ્ટાલજ,અડ્ડાલયાજ, અટ્ટાલજ, અડાલયિજ, અડાલયિજ ગ્રામ, અડાલયિજ પ્રદેશ, અડાલિજ અને અડાલંજ એમ વખતોવખત અપભ્રંશ થયેલાં અનેક નામો વપરાયેલાં છે.

વાવનો શિલાલેખ

ઈ.સ. ૧૪૯૯માં અડાલજમાં બાંધવામાં આવેલી રૃડાબાઈની વાવના શિલાલેખમાં સંસ્કૃત ભાષામાં અડ્ડાલિજ અને જૂની ગુજરાતી ભાષામાં અડાલિજ એમ કોતરવામાં આવ્યું છે. આમ અડાલજ માટે પુરાણોના સમયથી અત્યાર સુધીમાં વખતોવખત અપભ્રંશ થયેલાં અનેક નામો વપરાયેલાં છે. ઈ.સ. ૧૪૯૯માં અડાલજનાં વાઘેલા રાવ વીરસિંહ હતા. વીરસિંહના તાબામાં અડાલજની આજુબાજુનાં ૧૦૦ જેટલાં ગામો હતા. આ પ્રદેશને દંડાડિ પ્રદેશ કહેતા હતા. આવા દંડાહી દેશના અડાલજના વાઘેલા રાવ વીરસિંહનાં પત્નીનું નામ રૃડાબાઈ હતું. આ રૃડાબાઈએ સંવત ૧૫૫૫ (ઈ.સ. ૧૪૯૯માં) મહાસુદ પાંચમના રોજ તેમના પતિના સ્મરણાર્થે અડાલજમાં રાજ્યના ખજાનામાંથી પાંચ લાખ રૃપિયા (તે સમયના પાંચ લાખ ટકા) ખર્ચીને અડાલજમાં વાવ બંધાવી. વાવ બાંધનાર મુખ્ય કારીગર શ્રીમાળી જ્ઞાાતિના ભીમા સૂત્ર હતા.

સ્કંદપુરાણમાં અડાલજ ગામ ક્યારે વસ્યું તેનો કોઈ ઉલ્લેખ નથી. પણ હાલના અડાલજ ગામ અને તેના સીમાડામાં ૧૦ થી ૧૨ ફૂટ નીચે ખોદકામ કરતાં ૧૮ ઈંચ લાંબી અને ૧૦ થી ૧૫ કિલોગ્રામ વજનવાળી ઈંટોના મકાનોના પાયા મળી આવે છે. આ પાયા ચૂનાથી ચણેલા છે અને તેમાં કેટલેક સ્થળે ગંદા પાણીના નિકાલ માટે પાકી મોરીઓ (ગટરો) બાંધેલી છે.

આ ઉપરથી કલ્પી શકાય કે હાલના અડાલજના સ્થરે પ્રાચીન સમયમાં (ઈ.સ. પૂર્વે) કોઈ એક સંસ્કૃતિવાળું નગર હોવું જોઈએ. આ નગર તેની બાજુમાં આવેલી સાબરમતી નદીના ભારે પૂરના લીધે, કોઈ અકસ્માતના લીધે અથવા ધરતીકંપથી દટાઈ ગયું હશે. એટલે હાલના અડાલજની નીચે પ્રાચીન અડાલજ ગામ દટાઈ ગયેલી સ્થિતિમાં હાલમાં પણ પડેલું છે.

પ્રાચીન અડાલજ ગામ દટાઈ ગયા પછી ફરીથી હાલનું અડાલજ ગામ ક્યારે વસ્યું તે બતાવતાં કોઈ ઐતિહાસિક સંશોધન થયાં નથી. આમ અડાલજની ખંડિત ર્મૂિતઓનાં શિલ્પકામ જોતાં બીજી વખતનું અડાલજ ગામ ઈ.સ.૩૦૦ થી ઈ.સ.૪૦૦ સુધીમાં અથવા તે પહેલાં વસેલું હશે એમ અનુમાન કરી શકાય છે. ઈ.સ.૪૦૦થી ઈ.સ.૭૦૦ સુધીમાં ઉત્તર ભારત, રાજસ્થાન તથા ઉત્તર ગુજરાતનાં ઘણાં લેઉવા પાટીદાર કુટુંબો (લોર કૂર્મીઓ) અડાલજમાં આવીને વસ્યા. આમ ગુજરાતમાં લેઉવા પાટીદારોની પહેલી મુખ્ય વસાહત અડાલજ બન્યું. ઈ.સ. ૫૦૦ થી અડાલજના પાટીદારો ભાલ, દસક્રોઈ અને ખંભાત પ્રદેશમાં ફેલાવા માંડયા. ઈ.સ.ના છઠ્ઠા સૈકામાં ખંભાતથી આગળ વધીને આણંદ તાલુકાના ગાનાગામ સુધી પહોંચી ગયા.

અડાલજ તોડનાર જુનેદ (ઈ.સ.૭૨૪)

ઈ.સ. ૭૨૪માં (હિજરી સંવત ૧૦૫ વિક્રમ સંવત-૭૮૦માં) બગદાદના ખલિફા હશનના સમયે તેના સૂબા જુનૈદનું લશ્કર સિંધમાં હતું. આ સૂબાઓએ તેના લશ્કરની લુંટારું ટોળીઓ મારવાડ, માળવા, ભરૃચ, ઉજ્જન, ભિન્નમાલ અને જુજ (ગુજરાત) પ્રદેશ ઉપર મોકલ્યાનું મુસલમાન ઈતિહાસમાં નોંધાયેલું છે. આ જુનૈદના સરદારોએ ઈ.સ. ૭૨૪ના અરસામાં ગુજરાતના ભિન્નમાલ, મોઢેરા અને પંચાસર તોડયા પછી ભરૃચ જતી વખતે રસ્તામાં આવેલા અડાલજ ગામને તોડયું, અડાલજને બાળ્યું, લૂટયું અને તેનાં મંદિરો અને ર્મૂિતઓ ખંડિત કર્યા.

દેવાતજની વસાહત

આ વખતે અડાલજના પાટીદારો ધોળકા અને ખંભાતના માર્ગે દેવાતજ સુધી પહોંચી ગયા. તેમણે દેવાતજમાં પાટીદારોની મોટી વસાહત સ્થાપી અને ત્યાંથી કેટલાંક કુટુંબો ખેડા જિલ્લાના જુદાં જુદાં ગામોમાં જઈને વસ્યાં. જુનૈદના લશ્કરે અડાલજ તોડયા પછી ભિન્નમાલ,મોઢેરા અને ઉત્તર ગુજરાતના ઘણા લોકો અડાલજમાં આવીને વસ્યા. ભિન્નમાલથી શ્રીમાળી બ્રાહ્મણો, શ્રીમાળી વાણિયાઓ, શ્રીમાળી કારીગરો; અને વણઝારાઓ અડાલજમાં આવ્યા. આ કુટુંબના વારસો આજે પણ અડાલજમાં છે અને શ્રીમાળી અટક ધરાવે છે. હાલમાં પાટણવાડામાં વાલમ, બાલિસણા, મણુંદ, રણુંજ અને પાટણની આજુબાજુનાં ગામડાઓનો બેતાલીસ ગામ લેઉવા પાટીદારોનો ગોળ છે. આ ગોળના લગભગ બધા ંજ ગામના લેઉવા અને કડવા પાટીદારો સિંધના મુસ્લિમ લશ્કરોના ડરને લીધે અડાલજમાં આવીને વસ્યા હતા. આ વખતે ઉત્તર ગુજરાતના લેઉવા અને કડવા પાટીદારોનાં ઘણાં ટોળાં અડાલજમાં આવ્યાં. આમ પાટીદારોએ અડાલજમાં ફરીથી એક મોટી વસાહત સ્થાપી.

અડાલજનો વિસ્તાર

અડાલજની આજુબાજુના પ્રદેશમાં દસ કિલોમીટર સુધી અડાલજ સિવાય બીજાં ગામડાં હતા નહીં. અડાલજની આજુબાજુના હાલનાં પોર,કુડાસણ,અંબાપુર, ઝુંડાલ, તારાપુર, રાયસણ, જમયિતપુર, ખોરજ, દંતાલી, શેરથા અને બીજા બધાં જ ગામડાં ઈ.સ. ૯૦૦ પછી વિકસેલાં અને વસેલાં છે. ફક્ત ઉવારસદ ગામ ઈ.સ.ની શરૃઆતથી કોઈ એક નાના ગામડા તરીકે હયાતિમાં હોય અને ઈ.સ. ૯૦૦ પછી વિકાસ પામ્યું હોય તેમ ત્યાંના જૂના સ્થળોના અવશેષો ઉપરથી જણાય છે. ઉપરનાં બધાં ગામોનો સીમાડો અડાલજના વિસ્તારમાં હતો. અડાલજની હદ પૂર્વ બાજુએ છેક સાબરમતી નદીના કિનારા સુધી હતી. અડાલજનો તે સમયનો આટલો મોટો વિસ્તાર એ અડાલજ ગામ એક મોટું અને સમૃદ્ધિવાળું નગર હતું તેનો પુરાવો છે. છતાં વસતીની દૃષ્ટિએ જોતાં એ સમયે અડાલજ ગામની વસતી વીસ હજાર કરતાં વધારે નહિ હોય તેમ સમજાય છે. એ સમયમાં આ પ્રદેશમાં ભારે વરસાદ પડતો હતો. આથી વર્ષમાં બે વખત વરસાદના પાણીથી પાક લેવામાં આવતો હતો. ગામની ચારે બાજુ ખોદેલાં અને બાંધેલા ૪૦ જેટલાં મોટા તળાવ હતા. જેમાંના ડાહોર, હરણી, મલાવ અને નાટવા જેવાં મોટા અને બીજાં વીસેક જેટલા તળાવો હાલમાં પણ મોજૂદ છે.

અડાલજનો વેપાર

ઈ.સ. ૧૩૦૦ સુધી આ ગામની મુખ્ય વસતી વણઝારાઓ, પાટીદારો, મોઢવાણિયા અને ભાટ બારોટોની હતી. આ ગામના પાટીદારો અને બીજા ખેડૂતોને ખેતી ઉપરાંત ખંભાત સુધી ગાડાં ફેરવવાનો ધમધોકાર ધંધો ચાલતો હતો. આમ આ ગામના પાટીદારો ચોમાસામાં ખેતી કરતા. ખેતીમાં પુષ્કળ અનાજ પકવતા, શિયાળા અને ઉનાળામાં વેપારનું અને ખંભાત સુધી ગાડાં ફેરવવાનું કામકાજ કરતાં. ખેતી, વેપાર અને ખંભાત સુધી માલની હેરફેરના લીધે અડાલજના પાટીદારો ખૂબ સુખી હતા.

એ વખતે સિંધમાં ઠઠ્ઠા બંદર હોવા છતાં સિંધનો માલ પણ અડાલજ થઈને ખંભાત જતો. દિલ્હી, લાહોર અને આગ્રાના માલને પરદેશ મોકલવા માટે ખંભાત એક જ અગત્યનું બંદર હોવાથી આ માલ પણ અડાલજ અથવા કપડવંજ થઈને ખંભાત જતો. આ સમયે હાલનાં ભારતનાં મોટા બંદરો, મુંબઈ, કલકત્તા અને મદ્રાસ હતાં નહિ. હાલના અમદાવાદના સ્થાને આશાવલ હતું જે ચોર, લૂંટારા અને ભીલ તથા કોળી લોકોનું મુખ્ય મથક હતું. આ બધાં કારણોથી અડાલજનો ખંભાત સાથેનો વેપાર ધમધોકાર ચાલ્યો હતો. અડાલજની જાહોજલાલીના પતનનાં મુખ્ય બે કારણો હતાં : (૧) અલ્લાઉદ્દીન ખીલજીનું ગુજરાતમાં આવવું; અને ૨) ખંભાત બંદરનું પૂરાઈ જવું.

અલ્લાઉદ્દીન ખીલજી

ઇ.સ. ૧૨૯૭માં અલાઉદ્દીન ખીલજીએ તેના ભાઈ અલફખાન તથા વઝીર નસરતખાનને લશ્કર આપી પાટણ ઉપર મોકલ્યા. તેમણે પાટણ જીતી લીધું. ગુજરાતનો છેલ્લો રજપૂત રાજા કરણઘેલો નાસી ગયો. ત્યારબાદ અલફખાને ખંભાત જીત્યું. પાટણથી ખંભાત જતાં અલફખાને અડાલજમાં લશ્કરનો પડાવ નાખ્યો. આ વખતે અલફખાને અડાલજને તોડયું અને અડાલજની ખેતી તથા વેપારની જાહોજલાલીની પડતીની શરૃઆત થઈ. ખંભાત બંદર બંધ થઈ જતાં અડાલજનો વેપાર પડી ભાગ્યો. અડાલજના ખેડૂતોને ભાડે ગાડાં ફેરવવાનું કામ ઓછું થયું. અને અડાલજની જાહોજલાલીનું પતન થયું.

અડાલજના લેઉવા પાટીદારો

ઈ.સ. ૭૦૦થી ઈ.સ. ૧૨૦૦ના અરસામાં અડાલજના પાટીદારો દસ્ક્રોઈ અને ભાલ પ્રદેશમાં ફેલાયા. અડાલજના પાટીદારોને બારે માસ વેપાર માટે ખંભાત અને નગરા જવું પડતું. તેમને પોતાના ગાડાં અને માલસામાન સાથે ખંભાત બંદરે રોકાવું પણ પડતું. આથી તેમણે ખંભાતથી ૪૦ કિ.મિ. દૂર હાલના સોજીત્રા પાસે ઈ.સ. ૭૨૫ના અરસામાં દેવાતજ ગામ વસાવી ત્યાં પોતાની મોટી વસાહત સ્થાપી. તે વખતે દેવાતજ અને હાલના સોજીત્રા પાસેથી ભારતના મોટા ઘોરી માર્ગો પસાર થતા હતા. આથી દેવાતજમાં રહીને પાટીદારોને ગાડાં મારફતે માલની અવરજવર કરવાની મોટી અનુકૂળતા હતી.

પાટીદારોનો ચરોતરમાં પ્રવેશ

ઈ.સ. ૫૦૦થી અડાલજના પાટીદારો ચરોતરમાં પ્રવેશવા માંડયા હતા. પણ તે સમયે ચરોતરમાં તેમની સંખ્યા ઘણી ઓછી હતી. દેવાતજની વસાહત સ્થાપ્યા પછી ત્યાંના અડાલજના પાટીદારો ઈ.સ. ૭૨૫થી ઈ.સ. ૧૨૦૦ના અરસામાં દેવાતજની નજીક શ્રીયાનગર પાસે આવેલા (હાલનું વસો) સોજીત્રા, ધરમજ, બોરસદ, બાકરોલ, તારાપુર, પેટલાદ, બોરસદ, ડભાણ, ખેડા, નડિયાદ, પીપળાવ, પીજ,નાર, ઓડ, ઉત્તરસંડા, મહુધા, પલાણા, ડાકોર, ઉમરેઠ, સારસા , આણંદ, ખંભાત અને સુરાશામળ સુધી ફેલાયા. આ ગામોમાંથી અડાલજના પાટીદારો ધીમે ધીમે આખા ખેડા જિલ્લામાં ફેલાઈ ગયા.

(

No comments:

Post a Comment