કચ્છમાં કૂર્મી ક્ષત્રિયો ક્યારે અને ક્યાં થઈને પ્રવેશ્યા તે સમજતાં પહેલાં કચ્છની હાલની અને પ્રાચીન સમયની ભૌગોલિક સ્થિતિ સમજવી જોઈએ. હાલમાં કચ્છની ઉત્તરે મોટું રણ છે અને આ રણની ઉત્તરે પાકિસ્તાનનું સિંધ છે. કચ્છની પૂર્વ અને દક્ષિણ દિશામાં નાનું રણ છે અને તે બાજુએ ગુજરાતના બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાઓ આવેલા છે. પણ ઈ.સ. પૂર્વે કચ્છનાં આ બંને રણના સ્થળે પ્રાચી, સરસ્વતી, લૂણી અને બનાસ નદીઓ વહેતી હતી. આ નદીઓ કચ્છના તે સમયના ફળદ્રુપ પ્રદેશોમાંથી વહેતી અને કચ્છના અખાતમાં પડતી હતી. સિંધુ અને બીજી કેટલીક નદીઓ કચ્છના ઉત્તરના પ્રદેશમાં સમુદ્રને મળતી હતી. આમાંની કેટલીક નદીઓ ધીમેધીમે અધવચ લુપ્ત થઈ ગઈ અને કેટલીક પોતાનાં વહેણ બદલીને સિંધુ નદીમાં ભળી ગઈ. સમય જતાં સિંધુનાં મુખ વધારે ને વધારે પશ્ચિમ તરફ ખસતાં ગયાં અને છેવટે તેનો ‘પૂરણ’ નામનો એક ફાંટો જ કચ્છમાં બાકી રહ્યો. આ ફાંટો કચ્છના પશ્ચિમ ભાગમાં થઈ અરબી સમુદ્રને મળતો હતો. આ નદીનું વહેણ પણ ઈ.સ. ૧૭૬૪માં ઝારાના યુદ્ધ પછી સિંધના અમીર ગુલામશાહે મોરામાં બંધ બંધાવીને કચ્છમાં આવતું અટકાવી દીધું. આ બંધના લીધે લખતરની ઉત્તરે આવેલાં છછઈ પ્રદેશનાં ડાંગરોનાં ખેતરોની ફળદ્રુપતા ઓછી થઈ ગઈ.
૧૮૧૯નો ધરતીકંપ
આ પછી પણ સિંધુ નદીના જે નાના ફાંટાઓ કચ્છમાંથી પસાર થતા હતા તે ઈ.સ. ૧૮૧૯ના ધરતીકંપના લીધે બંધ થતા ગયા. ધરતીકંપના લીધે નવા બનેલા નીચાણવાળા ભાગોમાં દરિયાનાં પાણી ફરી વળ્યાં અને આ ભાગ ખારોપાટ થયો. કેટલાક ભાગો ખડકાળ અને પથ્થરિયા બન્યા, કેટલાક ભાગોમાં રણ ઊપસી આવ્યાં અને આમ કચ્છની ફળદ્રુપતા ઓછી થઈ ગઈ. આમ પ્રાચીન સમયમાં કચ્છમાં અનેક નદીઓ વહેતી હતી. કચ્છ ખેતી માટે ફળદ્રુપ પ્રદેશ હતો અને ખેતી તથા પશુપાલનનો ધંધો કરનાર કૂર્મી ક્ષત્રિયોને પોતાની વસાહતો સ્થાપવા માટેનું કચ્છ અનુકૂળ સ્થળ હતું.
કૂર્મી ક્ષત્રિયોનો કચ્છમાં પ્રવેશ
ઈ.સ. પૂર્વે ૩૦૦ના અરસામાં ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં પંજાબમાંથી કૂર્મી ક્ષત્રિયોનાં ટોળાં ગુજરાતમાં આવ્યાં ત્યારે જ કચ્છમાં કૂર્મી ક્ષત્રિયોનાં ટોળાંઓએ પ્રવેશ કરેલો જણાય છે. આ ટોળાં સિંધ, રાજસ્થાન અને રાધનપુરના માર્ગોથી કચ્છમાં દાખલ થયેલાં જણાય છે. આ ટોળાંઓમાં લોર અને ખારી બંને કૂર્મીઓ હતા એટલે કચ્છમાં શરૃઆતથી જ લેઉઆ અને કડવા એમ બંને પેટા જ્ઞાતિઓના પાટીદારો વસતા હતા અને ખેતી કરતા હતા.
ઈ.સ. ૧૪૪૯માં ઈમામશાહ નામના એક સૈયદ ઇરાનથી મુસાફરી કરતા કરતા ગુજરાતમાં આવ્યા હતા. તેમણે અમદાવાદ નજીકના ગીરમથા ગામની સીમમાં મુકામ કર્યો હતો. આ વખતે ત્રણ-ચાર વર્ષથી ભારે દુકાળના લીધે ત્યાંના પાટીદારો ખૂબ દુઃખી હતા. આ કણબીઓ ઈમામશાહને પવિત્ર સંત માનીને ક્યારે સારાં વર્ષ આવશે અને સારો વરસાદ પડશે તે પૂછવા ગયા. ઈમામશાહના કહેવા મુજબ તે જ વર્ષે સારો વરસાદ પડયો અને કણબીઓ સુખી થયા આથી કણબીઓમાં ઈમામશાહની એક મહાત્મા તરીકે ખ્યાતિ થઈ. આ સમયમાં કાશીની યાત્રા કરીને પાછા ફરતાં સુરત અને વલસાડ જિલ્લાના કેટલાક કણબીઓનો ગીરમથે મુકામ થયો. તેમને પણ ઈમામશાહે કાંઈક ચમત્કાર બતાવ્યો. આથી આ બધા કણબીઓમાં ઈમામશાહની પ્રતિષ્ઠા ખૂબ વધવા લાગી અને આજુબાજુનાં ગામડાંઓના કણબીઓ તેમના શિષ્ય થવા લાગ્યા.
ઈમામશાહે શરૃ કરેલો પીરનો પંથ
ઈમામશાહે ગીરમથા પાસે પિરાણામાં મુકામ કર્યો અને ત્યાંથી પીરનો પંથ (ધર્મ) શરૃ કર્યો. અડાલજ, ઊંઝા તથા આજુબાજુના ઘણા કણબીઓ આ ધર્મમાં દાખલ થયા. આ પંથના કણબીઓએ કચ્છમાં શિકરા નામનું ગામ વસાવી ત્યાં પિરાણાપંથ શરૃ કર્યો. ગુજરાતના જે કણબીઓ પિરાણા પંથમાં દાખલ થતા હતા તેમાંથી ધણાં બધા પાટીદારો કચ્છના શિકરા ગામે વસવાટ માટે ગયા. આ પાટીદારો શિકરાની આજુબાજુનાં ગામડાંઓમાં વસ્યા અને ત્યાં ખેતી કરવા લાગ્યા. આવા કણબીઓનાં કેટલાંક ગામોના હેવાલ આ મુજબ છે ઃ કચ્છના સઘળા પિરાણાપંથી કણબીઓ ક્રમે ક્રમે ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાંથી નીકળીને કચ્છના વાગડ પ્રદેશના શિકરા ગામે આવ્યા અને ત્યાં પોતાના સ્વધર્મીઓ સાથે મળીને શાંતિથી ખેતી કરવા લાગ્યા. કચ્છનો પ્રદેશ ઘણાં વર્ષોથી ખેતીવાડીમાં પછાત હતો. એ સંજોગોમાં કચ્છના રાવને (રાજાને) ગુજરાતના કાબેલ ખેડૂતો અનાયાસે મળી જતાં રાવે આ ખેડૂતોને આખા કચ્છમાં વસાવ્યા. કચ્છના પાટીદારો ખૂબ મહેનતુ છે અને કરકસરતા તથા સાદાઈથી રહે છે. હાલમાં ગુજરાતના પાટીદારોની માફક તેઓ પણ દુનિયાના ઘણા દેશોમાં આજીવિકા અને કમાણીની શોધમાં પહોંચી ગયા છે.
- પવિત્ર ઈમામશાહના ચમત્કારથી પ્રભાવિત થયેલા પટેલોએ પીરાણા પંથ સ્વીકાર્યો
પીરાણાપંથ પાડતા કડવા પાટીદારો સાબરકાંઠાના અનેક કંપાઓમાં જઈને વસ્યા છે અને સુંદર જીવન જીવે છે. આવા ઘણા પાટીદારો મુંબઈ પણ ગયા છે અને મુંબઈમાં ખારઘર ખાતે બિલ્ડીંગ કન્સ્ટ્રકશનના વ્યવસાયમાં પરોવાઈ જઈને આર્થિક રીતે ખુબ સુખી થયા છે. તેમણે સાબરકાંઠામાં ઘણાં મંદિરો પણ બાંધ્યાં છે. પીરાણા પંથના મંદિરો નિષ્કલંકી જ્યોતિ મંદિરો તરીકે ઓળખાય છે. તેમના મંદિરોમાં ઇમામશાહની પાદુકાનું પૂજન થાય છે. આ મંદિરોમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની પ્રતિમાઓ છે. આ મંદિરોમાં સવાર-સાંજ બંને સમય આરતી પણ થાય છે. નિષ્કલંકી નારાયણ એક દિવસ ફરી પૃથ્વી પર આવશે તેવી આશા સાથે તેમની આરાધના થાય છે. નિષ્કલંકી મંદિરોમાં શક્તિની અખંડ જ્યોત પ્રગટાવેલી હોય છે. આ મંદિરોની ઉપર શ્વેત ધ્વજા પણ ફરકતી હોય છે. ઓલ ઇન્ડિયા સંત સમિતિએ પીરાણા પીઠને પાંચમી પીઠ તરીકે જાહેર કરી છે. અમદાવાદ નજીક આવેલી પીરાણા પીઠ પર પીરાણા પંથના ગાદીપતિ તરીકે હાલ જગતગુરુ સંતપંથાચાર્ય શ્રી નાનકદાસજી મહારાજ બિરાજે છે. કચ્છના બાકીના સનાતન પંથી તરીકે ઓળખાય છે અને બધા જ એકબીજા સાથે હળીમળીને રહે છે.
કૂર્મી ક્ષત્રિય અને સુદર્શન તળાવ
ચંદ્રગુપ્ત મૌર્યે સૌરાષ્ટ્રના કૂર્મી ક્ષત્રિયોની ખેતી અને પશુપાલનને ઉત્તેજન આપવા ગિરિનગરમાં સુદર્શન તળાવ બંધાવ્યું હતું. અશોકે આ તળાવમાંથી નહેરો કાઢી કૂર્મી ક્ષત્રિયોના વ્યવસાયને ઉત્તેજન આપ્યું હતું. સુદર્શન તળાવનું આ વર્ણન અશોકના ગિરનારના શિલાલેખ પર છે. અશોકના શિલાલેખના ખડકની બીજી બાજુએ ઈ.સ. ૧૫૦માં થયેલ ક્ષત્રપ રાજા રૃદ્રદામાનો બીજો શિલાલેખ છે. ઈ.સ. ૩૯૫માં ગુપ્ત રાજાઓની સત્તા ગુજરાતમાં હતી. એ સમયે પણ ગિરિનગર ગુજરાતનું પાટનગર હતું. ગુપ્ત રાજાઓના સમયના સૌરાષ્ટ્રમાંથી મળી આવેલાં કેટલાંક તામ્રપત્રોમાં કણબી અને કુટુંબી શબ્દો વપરાયેલા છે. આ ઉપરથી સમજાય છે કે, કૂર્મીઓ (કણબીઓ) મૌર્ય અને ગુપ્ત રાજાઓના સમયમાં સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં વસતા હતા. ઈ.સ. ૧૩૦૦થી ઈ.સ. ૧૮૦૦ સુધીના સમયમાં ગુજરાતમાં મુસલમાન સૂબાઓ અને બાદશાહોનું રાજ્ય હતું ત્યારે આ ધર્મઝનૂની સૂબાઓના ત્રાસથી કંટાળીને ગુજરાતના ઘણા પાટીદારોએ સૌરાષ્ટ્રમાં વસવાટ કર્યો છે. અડાલજથી ખેડા જિલ્લામાં ગયેલા વસો, સોજિત્રા અને નડિયાદનાં ઘણાં કુટુંબો સૌરાષ્ટ્રમાં વસ્યાં છે. આ સમયે ઊંઝા, સિદ્ધપુર અને વડનગર પ્રદેશમાંથી ઘણા પાટીદારો કચ્છ અને સૌરાષ્ટ્રમાં જઈને વસ્યા છે. હાલમાં સૌરાષ્ટ્રના બધા જ જિલ્લાઓમાં કણબીઓ (પાટીદારો) વસે છે. તેમણે સૌરાષ્ટ્રનાં ગામડાંઓમાં પોતાની વસાહતો સ્થાપી સૌરાષ્ટ્રને ફળદ્રુપ પ્રદેશ બનાવ્યો છે. આમ સૌરાષ્ટ્રના પાટીદારો ગુજરાત અને કચ્છના લેઉવા અને કડવા પાટીદારોની માફક પંજાબના કૂર્મી ક્ષત્રિયો છે અને ઈ.સ. પૂર્વે ૩૦૦ના અરસામાં ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં ગુજરાત અને કચ્છના પાટીદારોની સાથે સાથે સૌરાષ્ટ્રમાં આવીને વસ્યા છે.
ભારતમાં કૂર્મી વિસ્તાર
કૂર્મીઓનો અસલ વસવાટ પંજાબમાં હતો. પંજાબ પર થતાં અનેક આક્રમણોને લીધે જીવનનિર્વાહની શોધમાં કૂર્મીઓ ઉત્તર ભારતમાં મથુરા સુધી ફેલાયા હતા. ત્યાંથી કૂર્મીઓનો એક વિભાગ કોટા અને મંદેસરના રસ્તે થઈને હાલના સિદ્ધપુર અને વડનગરની નજીકના પ્રદેશમાં વસ્યો. કૂર્મીઓનો બીજો વિભાગ રાજસ્થાનના જયપુર અને ભિન્નમાલના રસ્તે થઈ પાટણવાડો, અડાલજ પ્રદેશ અને છેવટે ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના ગામડે ગામડે વસ્યો. આ કણબીઓનાં મધ્યપ્રદેશમાં નર્મદાની ઉત્તરે, પશ્ચિમે અને દક્ષિણે લગભગ ૫૦૦ જેટલાં ગામ છે. માળવામાં નર્મદાની પૂર્વ દિશામાં કૂર્મીઓનાં ગામડાં ઘણાં ઓછાં છે. મથુરામાં વસેલા કૂર્મીઓનો મોટો ભાગ ગંગા જમનાની ફળદ્રુપ ખીણોમાં આગળ વધતો વધતો આખા ઉત્તર ભારતમાં ફેલાયો છે. ઈ.સ. ૧૭૫૦ સુધીમાં ગુજરાતના પાટીદારો ગુજરાત,સૌરાષ્ટ્ર અને કચ્છના ગામડે ગામડે પહોંચી ગયા અને ત્યાં નાની-મોટી વસાહતો સ્થાપી સ્થિર થયા
No comments:
Post a Comment