વૈદિક કાળથી કડવા પાટીદારો ઈન્દ્ર અને મા ઊમિયાની સ્તુતિ કરતા આવ્યા છે. તેના પ્રમાણો ઋગ્વેદમાં અને પાટીદારોની હાલની જીવંત પરંપરાઓમાં જોવા મળે છે.
આ ઊંઝા આસપાસના ગામોના પાટીદારો હાલમાં ગામોગામ માતાજીની પલ્લીઓ કાઢે છે. આ પલ્લી એ પ્રાચીન ધનધાન્ય- અન્ન- પાલન-પોષણ અને રક્ષણ કરનારી ઊમિયા માતાજીની પૂજાનો એક ભાગ છે. કાળક્રમે આ દેવીની પૂજા ઘસાતી-ઘસાતી જુદા જુદા સ્વરૃપે હાલમાં જીવંત છે. આ પલ્લીઓ ભરનાર બધા જ ગામોમાં પાટીદારો આ માતૃકાપૂજામાં કેન્દ્રસ્થાને રહેલા છે. આ પલ્લીઓ કાઢનારા ગામોમાં પાટીદારો દરેક પાટીદારના ઘેરથી બાકળા માટે તેમ જ પૂજાવિધિ માટે જરૃરી ધન-ધાન્ય જેવા કે ઘઉં, જુવાર, ઓળા, અડદ, તલ, મગ, ચોખા અને ઘી ઉઘરાવે છે તેમ જ જરૃરી ખર્ચ પેટે પાંચ-દસ રૃપિયા ઘરદીઠ ઉઘરાવે છે. પાટીદાર સિવાય બીજા કોઈના ઘેરથી આ ધન-ધાન્ય અને ઉઘરાણું લેવામાં આવતું નથી.
મોટા ભાગે આ પલ્લીઓ દર વર્ષે લગભગ ચૈત્ર કે આસોની નવરાત્રી દરમિયાન કે નવરાત્રી પછીના દિવસોએ પણ કાઢવામાં આવે છે. તો કેટલાક ગામોએ દર ૫-૭-૯ કે ૧૧ વર્ષે પણ આવી પલ્લીઓ કાઢવામાં આવે છે. સમગ્ર હિન્દુસ્તાનમાં કડવા પાટીદારોનું મુખ્ય કેન્દ્ર ઉમાપુર (ઊંઝા) નગર છે.
ઉમાપુર (ઊંઝા)માં ઊમિયા માતાજીની પલ્લી ભરાય છે, પરંતુ આ પલ્લી પ્રાચીન ખંડિત થઈ ગયેલા ઊમિયા માતાજીના સ્થાનકની પાસે આવેલા મોલ્લોત શાખના મોટા માઢમાંથી નીકળે છે. આ મંદિર વિ. સં. ૧૩૫૬માં દિલ્હીના સુલતાન અલ્લાઉદ્દીન ખીલજીના ગુજરાત ઉપરના હુમલા વખતે ખંડિત થયેલું છે. અણહિલપુર પાટણના છેલ્લા રાજપૂત રાજા કરણઘેલાના પ્રધાન માધવે તેને ગુજરાત ઉપર આક્રમણ કરવા નિમંત્રણ આપેલું. અલ્લાઉદ્દીન ખીલજી આ નિમંત્રણને માન આપીને ગુજરાત ઉપર ચઢી આવ્યો. આ સમયે ઊંઝા,સિદ્ધપુર, પાટણ જેવા ઉત્તર ગુજરાતનાં ઘણાં ખ્યાતનામ મંદિરોનો ધ્વંસ કરવામાં આવ્યો હતો. આ મુસ્લિમ સેનાના ગુજરાત ઉપરના આક્રમણના સમાચાર જાણીને ઊંઝાના પ્રખ્યાત માતૃકા મંદિર ઊમિયા માતાજીના મંદિરમાંથી માતાજીની પ્રતિમા ખસેડીને મોટા માઢના એક ઘરમાં એક ગોખમાં સંતાડી દેવામાં આવી હતી. આ માતાજીની કેન્દ્રસ્થ પ્રતિમાને સંતાડી દીધા બાદ ઊંઝા ઉપર મુસ્લિમોનું આક્રમણ થયું. જગત પ્રસિદ્ધ ઊમિયા માતાજીના મંદિરનો ધ્વંસ થયો. સર્વત્ર હાહાકાર મચી ગયો. હાલમાં મોટા માઢમાં જ્યાં ઊમિયા માતાજીની જે પ્રતિમા સંતાડી હતી તે ગોખની પૂજા થાય છે.
પટેલ નારણદાસે ગોઝારિયા વસાવ્યું
વિ. સં. ૮૦૨માં વનરાજ ચાવડાએ પાટણ શહેરનું તોરણ બાંધ્યું. સંવત ૮૨૦ના મહા વદી-૭ ને શનિવારના દિવસે પાટણ શહેરનું તોરણ બાંધવામાં આવ્યું હતું. તે સમયે વનરાજે પોતાના કારભારી ચાંપરાજને ઊંઝા ગામે ગાડાં લેવા માટે મોકલ્યા. શેઠ ચાંપરાજે ઊંઝા આવીને પોતાનો મુકામ કર્યો. તે વખતે પટેલ નારાયણદાસ એક પાટીના આગેવાન હતા. પટેલ નારણદાસને ચાંપરાજે પોતાની સાથે ગાડાં લઈને પાટણ આવવા માટે કહ્યું. પટેલ નારણદાસે ચાંપરાજની વાત માની નહીં અને ચોખ્ખું સંભળાવી દીધું, "અમે કોઈની વેઠ કરતા નથી." આથી કારભારી ચાંપરાજને જ ક્રોધ થયો. તેણે પટેલ નારણદાસને કહ્યું, "પટેલ તમે જો આ ગામમાં (ઊંઝા)માં રહો તો તમને ગરદન મારું, તમારે જો જીવતા રહેવું હોય તો ઊંઝા ગામની હદ બહાર ચાલ્યા જાવ. પાટણનું તોરણ બાંધ્યા બાદ હવે આ નગરમાં પણ અમારી હકૂમત ચાલશે."
નારણદાસ પટેલ પોતાના ભાઈઓની સાથે ૨૦૬ ગાડાં ભરીને આખા માઢની પોતાની આખી પાટી લઈને ચાલી નીકળ્યા. જતાં જતાં વનમાં ઉચાળા છૂટયા. આવી વાત સાંભળી આ સમયે વનરાજે પાટણમાંથી ૨૦ ઘોડાનું સૈન્ય મોકલ્યું. આ સૈનિકોએ પટેલોના ઢોર-ઢાંખર અને તેમની સાથેના માણસો-વસવાયા વગેરેને પાછાં વાળવા માંડયા. વનરાજના સૈનિકોને અટકાવ્યા. ત્યાં યુદ્ધ થયું. પટેલોની વનરાજના આ થાણા સામે જીત થઈ ત્યાં અનેકોને લોહી રેડાયા. જમીન ગોઝારી થઈ. પટેલોની આ સ્થળે જીત થઈ તેથી એ જમીન તેમને પોતાને અનુકૂળ લાગી. તેથી તેઓએ એ સ્થળે ગામનું તોરણ બાંધ્યું અને ગામ વસાવ્યું. તે ગામ તે હાલ ગોઝારિયા
ઊંઝામાં પટેલો પર કરવેરા ઝીંકાયા
વનરાજ ચાવડાએ પાટણનગર વસાવ્યું. તે પૂર્વે ઊંઝા નગરના પાટીદારો સ્વતંત્રપણે ગણ રાજ્યોની પરંપરા પ્રમાણે પોતપોતાની પાટીઓમાંથી નેતા ચૂંટતા. આ ચૂંટાયેલા આગેવાનો તેમનામાંથી એક કેન્દ્રીય આગેવાન (રાજા) ચૂંટતા. એને રહેવા માટેની અલાયદી વ્યવસ્થા હતી. જે સ્થળને આજે ‘રાજગઢી’ કે ‘રાજગઢ’ તરીકે ઓળખવામાં આવે છે. આ ચૂંટાયેલા આગેવાનો બહુમતી નિર્ણયથી ઊંઝા નગર અને પંથકનો વહીવટ કરતા હતા. ત્યારે આ સમયે વનરાજ ચાવડાએ પાટણ શહેરનું તોરણ બાંધ્યું. વનરાજની નજર પોતાના રાજ્યની મહેસૂલી ઊપજ ઉપર હતી. સ્વતંત્ર સ્વભાવના પાટીદારોએ આ પાટણ રાજ્યનો અને વનરાજની કરવેરા નાંખવાની નીતિ-રીતિનો વિરોધ કર્યો. ઊંઝાની પાટીઓના આગેવાનોમાં બે ભાગ પડી ગયા. વનરાજે કેટલાક આગેવાનોને ફોસલાવી પોતાના પડખે કરી લીધા. વિરોધ કરનારાઓ ઊંઝા છોડી અન્ય ગામો વસાવી સ્વતંત્રપણે રહેવા લાગ્યા. વનરાજ ઊંઝા ગામે કોઈ બળવાન વ્યક્તિને પટાવત તરીકે નિમણૂક કરવા માગતો હતો. ત્યારે પતરામલજીએ પાટણ આવવું પડયું. ત્યારે વનરાજ ચાવડાએ પતરામલને ગઢ ઊંઝાનો પટ્ટો આપ્યો. જાગીરદારી આપી. ઊંઝા ઉપરાંત ઊંઝા આસપાસના બાર ગામોનો વહીવટ તેના પટ્ટામાં સામેલ કરાયો હતો. પતરામલના આવવાથી ઊંઝા નગરમાં રણા (રાણા રજપૂતો) આવીને વસ્યા. આ રણા પતરામલજીએ વિ. સં. ૮૩૧ના ચૈત્ર વદ-૧૩ ને બુધવારના દિવસે ઊંઝા નગરમાં દરબાર કરાવ્યો. ઊંઝાના કણબીઓ ઉપર આકરા કરવેરા ઝીંક્યા. પોતાની ધાક જમાવી. તેનાં સંતાનો પણ ઊંઝામાં ધાક-ધમકી આપવા માંડયા.
જાદવ રાજપૂતોની સામૂહિક કતલ
ઊંઝા એ ઊથલપાથલો અને સંઘર્ષનું નગર રહ્યું છે. વનરાજના સમયમાં ઊંઝામાં રાણા રજપૂતો આવ્યા. તેમનો ત્રાસ, જોરજુલમ વધતાં તેમને મારવા માટે સિદ્ધરાજે ઊંઝામાં જાદવોને મોકલ્યા. રાણાઓને મારી નાખી, જાદવો ઊંઝામાં વસ્યા.
વિ. સં. ૧૧૪૨થી ઊંઝામાં આવીને સ્થિર થયેલા જાદવોના વિ. સં. ૧૪૨૫ આસપાસ ૩૦૦ જેટલા ઘર (કુટુંબો) થયા હતા. આ જાદવ ગરાસિયા ગામમાં ઘણી અનીતિ, દૂરાચાર કરવા લાગ્યા. ગામમાં કોઈ બોલાચાલી થાય તો ૩૦૦ બરશી (ભાલા) સાથે રાજપૂત જાદવો દોડી આવતા. આ જાદવો એટલા માથાભારે થયા હતા કે તેમની સામે કોઈ બોલી શકતું નહીં. ઊંઝાના વાણિયા પણ આ જાદવ રાજપૂતોથી ત્રાસી ગયા હતા. તેથી તેઓના આગેવાન શેઠ (વાણિયા) જાદવોને મરાવવા તૈયાર થયા. આ ત્રણે જણા હાંમો મોલ્લોત,ઝાંઝણ, રૃસાત અને શેઠ ત્રણે જણા અમદાવાદ આવ્યા. આ વખતે અમદાવાદમાં અહેેમદશાહ ગાદી ઉપર હતો. આ બાદશાહને મળવા માટે આ ત્રણે જણા અમદાવાદ આવ્યા. બાદશાહને મળ્યા પછી જાદવોનું કાસળ કાઢી નાખવા એક કાવતરું ઘડી કાઢવામાં આવ્યું. ઊંઝા ગામમાં જાતરા કરીને આવ્યાની ખુશીમાં એક જમણવારનું આયોજન કરવામાં આવ્યું. અહમદશાહ બાદશાહે છૂપા વેશે જદરાણા મુસલમાનોને ઊંઝા મોકલ્યા.સવારે આખા ગામમાં નોતરું ફેરવ્યું. સહુ પહેલાં જાદવોમાં જમવાનું નોતરું ફેરવ્યું. ‘સહુ જાદવો જમવા આવજો, દારૃ પણ મંગાવ્યો છે.’
સહુ જાદવો જમવા આવ્યા. ઓરડાવાળા માઢમાં બેસાડીને ખૂબ દારૃ પાયો. પછી જમવા બેસાડયા. જમતાં જમતાં જાદવોએ છાશ માંગી ત્યારે પિરસણીઓએ બધા ઓરડાના દરવાજા ખોલી નાખ્યા અને માઢના દરવાજા બંધ કરીને તાળાં મારી દીધાં. પિરસણીયાને હવે ગંધ આવી ગઈ એટલે તેઓ બારીએ થઈ થઈને નાસી ગયા. પોતાના બધા માણસો બહાર આવી ગયા એટલે હાંમા મોલ્લોતે બંદૂકનો ભડાકો કર્યો. બંદૂકનો ભડાકો થતાં જ ઓરડામાં છુપાઈ રહેલા અહમદશાહ બાદશાહે મોકલેલા જદરાણા મુસલમાનો બહાર નીકળીને જાદવ રજપૂતો ઉપર તૂટી પડયા. આ જદરાણાઓએ જે જાદવ સ્ત્રીઓ સગર્ભા હતી તેમનો ગર્ભ કાઢી નાખીને સમગ્ર જાદવોનો વંશ કાઢી નાખ્યો. વિ. સં. ૧૪૭૬ના ચૈત્ર સુદી આઠમના દિવસે જદરાણા મુસલમાનોએ જાદવોને મારી નાંખ્યા. જદરાણા મુસલમાનો ઊંઝા ગામમાં વસ્યા. એ પછી ઊંઝામાં સ્થિર થયેલા જદરાણા મુસલમાનોએ પણ ઊંઝાના પાટીદારો પર ત્રાસ વર્તાવ્યો અને તેમને પણ યુક્તિપૂર્વક હટાવવામાં આવ્યા તેની એક સ્વતંત્ર કથા છે
No comments:
Post a Comment