અડાલજના ૭૦૦ માઢ
ઈ.સ. ૧૩૦૦થી ઈ.સ. ૧૪૦૦ સુધીનું અડાલજ ખૂબ જાહોજલાલીવાળું નગર હતું. તેનો ખંભાત સાથેનો વેપાર અને ભાડે ગાડાં ફેરવવાનું કામકાજ ખૂબ ધમધોકાર ચાલતું હતું.
વઢવાણના બારોટોના ચોપડાઓની નોંધ પ્રમાણે ઈ.સ. ૧૩૦૦થી ઈ.સ. ૧૪૦૦ના અરસામાં અડાલજમાં પાટીદારો, વાઘેલા, રજપૂતો, વણઝારા, ભાટ, બારોટો, ભટ્ટ, કવિઓ અને મોઢ વાણિયાઓના ૭૦૦ જેટલા માઢ હતા. આ ચોપડાઓમાં માઢનો અર્થ ગટર અને પાણીની સંપૂર્ણ સગવડતાવાળું ઘર અથવા ખડકી એવો કરેલો છે.
હાલમાં પણ અડાલજમાં પંદર ફૂટ ઊંડે ખોદકામ કરતાં ગટર અને પાણીનાં ટાંકાઓ સાથેના ઘરવાળા ઈંટોના પાયા મળી આવે છે.
અડાલજ અને ઘીના ૭૦૦ કાંટા :
બારોટોના ચોપડાઓે પ્રમાણે અડાલજના દરેક માઢમાં એકેક ઘી વેચવાનો કાંટો હતો. આમ અડાલજમાં ઘી વેચવાના ૭૦૦ કાંટા હતા. તે સમયે અડાલજમાં કેટલું પશુધન હશે અને અડાલજની સમૃદ્ધિ કેટલી હશે. તેનો આ એક સબળ પુરાવો છે.
અડાલજ નવસો નવ્વાણું નાડીનું ગામ હતું. નાડીનો અર્થ ફક્ત એક જોડ બળદ એવો થાય છે. ઈ.સ. ૧૪૦૦ સુધી અડાલજનાં ૨૦૦૦ જેટલાં ગાડાં અડાલજ અને ખંભાત વચ્ચે માલની હેરફેર ઉપરથી તે સમયના અડાલજની સમૃદ્ધિ અને જાહોજલાલીનો ખ્યાલ આવે છે.
અડાલજનાં આ ગાડાં હાલનાં બળદગાડાં કરતાં મોટા કદનાં અને ગમે તેવા ભારે વજનને એક સાથે ગાડામાં ખેંચી લાવે તેવાં હતાં. આવા દરેક ગાડાંમાં ચારથી છ બળદ જોડી શકાય તેવી વ્યવસ્થા પણ હતી.
પણ અડાલજની આ જાહોજલાલી અને સમૃદ્ધિ ખંભાત બંદરને આભારી હતી. ઈ.સ. ૧૪૦૦ પછી ખંભાત બંદર પૂરાવા માંડયું હતું. સુરત અને મુંબઈ નવા બંદર ઉઘડયાં. ઈ.સ. ૧૪૧૧માં અડાલજ અને કર્ણાવતી શહેરની વચ્ચે અમદાવાદ શહેરની સ્થાપના થઈ. આ બધાં કારણોથી અડાલજના ખંભાત સાથેના પરદેશોના વેપારને મોટો ફટકો પડયો. પરિણામે ઈ.સ. ૧૪૦૦ના અરસામાં ઘણાં કૂર્મી કુટુંબોને- કણબી પાટીદારોને અડાલજ છોડવાની ફરજ પડી.
ઈ.સ. ૧૫૭૩- અકબરનો સમય
ઈ.સ. ૧૫૭૩માં દિલ્હીના મોગલ બાદશાહ અકબરે ગુજરાત જીત્યું. આમ ગુજરાતમાં મોગલની સત્તા સ્થપાઈ.
અકબરના પ્રધાન ટોડરમલે ગુજરાતની જમીનની માપણી કરી. ગામડાંઓનાં ગામતળ, ખેડવા લાયક જમીન, પડતર જમીન, ગૌચર એમ જમીનોનું વર્ગીકરણ કર્યું. ખેડૂતો જે જમીનો ખેડતા હતા તે જમીનોના સર્વે નંબર, ક્ષેત્રફળ અને ખેડૂતો પાસેથી લેવાની વાર્ષિક મહેસૂલની રકમ નક્કી કરવામાં આવી. આવું નિયમિત જમીન મહેસૂલ ઉઘરાવવા માટે સરકાર તરફથી ઈજારદારો નીમવામાં આવ્યા. આ ઈજારદારો કરોડિયા કહેવાતા હતા.
દરેક કરોડીઓ મહેસૂલ પેટે સરકારને એક કરોડ દામ એકઠા કરી આપતો. તે વખતે ૪૦૦ દામનો એક રૃપિયો (એક ટકો) ગણાતો હતો. રૃપિયાને બદલે ટકાનું ચલણ હતું. આમ દરેક કરોડિયાને વાર્ષિક એક કરોડ દામ એટલે ૨૫૦૦૦ રૃ. સરકારને એકઠા કરી આપવા પડવા હતા.
કરોડિયાઓનો ખેડૂતો પર જુલ્મ
દુકાળ અથવા ચોમાસાની નિષ્ફળતાના સમયે ખેડૂતો કરોડિયાઓને મહેસૂલ ભરી શક્તા નહીં. આ સમયે કરોડિયાઓ ખેડૂતો ઉપર જુલમ કરતા. તેમને હેડમાં પૂરતા, માર મારીને વેઠ કરાવતા, તેમની ઘરવખરી લૂંટી લેતા અને કોઈ કોઈ વખત તેમના શરીર ઉપરની ચામડી પણ ઊતારી લેતા.
મહેસૂલના ઈજારાઓ મેળવતા પટેલો
અકબરે ખેડૂતો ઉપરનો આ જુલમ ઓછો કરવા માટે કરોડિયાઓને ખૂબ વિનંતી કરી. છતાં કરોડિયાઓએ ખેડૂતો ઉપરનો આ જુલ્મ ચાલુ રાખ્યો અને છેવટે અકબરે ટોડરમલની મારફતે કરોડિયાઓની યોજના બંધ કરાવી. ટોડરમલે કરોડિયાઓની યોજનાને બદલે મહેસૂલ ઉઘરાવવાના ઈજારા ગામ આગેવાનોને સોંપ્યા. આ વખતે ગુજરાતના મહેસૂલના મોટા ભાગના ઈજારાઓ કણબીઓ અને નાગર બ્રાહ્મણોએ કબૂલ કર્યા. આમ આખા ગામ તરફથી એક જ મુખ્ય માણસ મહેસૂલ ઉઘરાવી આપવાની જવાબદારી લેવા માંડયો. સરકારનું મહેસૂલ ઉઘરાવી આપનાર આવા મુખ્ય માણસો પટેલ કહેવાયા.
આ સમયે કોઈ ખેડૂત જમીનનો માલિક હતો નહિ. જે ખેડૂતો મહેસૂલ ન આપી શકે તેમની જમીનો ગામ આગેવાનો આંચકી લેતા હતા. આવી આંચકી લીધેલી જમીનો બીજા ખેડૂતોને વાવવા આપતા. આ સમયે જમીનની કોઈ કિંમત હતી નહિ. જમીન ઉપર રાજ્ય સિવાય કોઈનો હક્ક હતો નહિ. આ સમયે ખેડૂતો પાસે જમીનનો માલિકી હક નહિ હોવાથી અને ગમે તે સ્થળે જવાથી ખેડવા માટે સહેલાઈથી સારી જમીન મળી આવતી હોવાથી પાટીદારો ગુજરાતનાં ગામડાંઓમાં સ્થિર વસવાટ કરી શક્યા નહિ.
પાટીદારોનું ભટકતું જીવન
આ સમયે મોટા ભાગના પાટીદાર કુટુંબો સારી જમીનની શોધમાં એક ગામથી બીજે ગામ તેમનાં બૈરાં છોકરાં, ઢોર
ઢાંખર અને રાચરચીલા સાથે ભટકતું જીવન પણ ગુજારતા હતા. જીવાજી પટેલના સમયમાં ઈ.સ. ૧૬૬૬માં ગુજરાતની મહેસૂલ પદ્ધતિમાં ધરખમ ફેરફાર થયો. ખેડૂતો જે જે જમીનો વાવતા હતા. તે તે જમીનોના તેમને ઔરંગઝેબે કાયમી માલિક બનાવ્યા. આમ જમીનના માલિકી હક મળતાં ખેડૂતોને પોતાની જમીન, માલ- મિલકત અને ગામતળમાં આવેલાં પોતાનાં ઘર માટે મમત્વ જાગ્યું. અને આ મમત્વના લીધે પાટીદાર ખેડૂતો ગુજરાતનાં ગામડાંઓમાં સ્થિર થયા.
દશમી પેઢીના માંડણજી પટેલ
દશમી પેઢીનાં માંડણજી પટેલ થયા. તેમના સમયમાં ઈ.સ. ૧૭૩૦માં દિલ્હીના અમદાવાદ જૂના સુબેદાર સર બુલંદખાન અને દિલ્હીના નવા સુબેદાર અભેસિંહ વચ્ચે અડાલજ મુકામે ભારે લડાઈ થઈ. આ લડાઈ વખતે બંને લશ્કરોએ અડાલજને લૂંટયું. આથી અડાલજના લોકોનો મોટો ભાગ ગામ છોડીને ચાલ્યો ગયો. માંડણજી પટેલને બીજા પાંચ ભાઈ હતા. રૃપજી, રતનજી, નાગજી, નરસિંહદાસ અને વાલજી. ઈ.સ. ૧૭૩૦ના અડાલજના આ ભયંકર યુદ્ધ વખતે માંડણજી પટેલ તેમના પાંચ ભાઈઓને લઈને સાવલી (જિ. ખેડા) ગયા. યુદ્ધ શાંત થતાં માંડણજી પટેલ અડાલજમાં પાછા આવ્યા. તેમના પાંચે ભાઈઓ સાવલી રહ્યા અને પાંચે ભાઈઓના વંશવારસો ત્યાંથી વડોદરા અને ભરૃચ તરફ ગયા. માંડણજી પટેલને ચાર દીકરા હતા. મકનદાસ, મનજી, ધનજી અને મૂળજી.
માંડણજી પટેલના આ ચારે દીકરાઓ અડાલજમાં રહ્યા. હાલમાં અડાલજમાં તેમની ચાર ખડકીઓ છે. હાલમાં માંડણજી પટેલના વંશમાં અડાલજમાં ૧૦૦ જેટલાં કુટુંબો છે.
ઈ.સ. ૧૬૬૬માં ઔરંગઝેબે ગુજરાતના ખેડૂતોને જમીનના માલિકી હક્ક આપ્યા. આથી ખેડૂતોએ પોતાની જમીનને વધુ ફળદ્રુપ બનાવી તેમાંથી વધુ ઉત્પાદન મેળવવાના પ્રયત્ન કર્યા. પરિણામે અડાલજના ખેડૂતોએ જમીન સુધારી, ખેડી અને ફળદ્રુપ બનાવી. ઈ.સ. ૧૬૬૬ પછી અડાલજના ખેડૂતોએ તેમના ખેતરોના પાકને પાણી પૂરું પાડવા માટે જાત મહેનત કરી કૂવાઓ પણ બનાવ્યા. આમ અડાલજના પાટીદાર ખેડૂતોએ ખેડ, ખાતરને પાણી, લાવે કર્મને તાણી એ સિદ્ધાંત ઈ.સ. ૧૬૬૬ પછી અડાલજમાં સાબિત કરી બતાવ્યો. એ સિદ્ધાંત પ્રમાણે અડાલજની જમીન ફળદ્રુપ બનાવી. આવી ફળદ્રુપ જમીનના ઈ.સ. ૧૬૬૬ પછી પાટીદારો કાયમના માલિક બન્યા અને જમીનોના કાયમી માલિક બનવાથી માંડણજી પટેલના વારસો અડાલજમાં સ્થિર થયા.
ઈ.સ. ૧૬૬૬માં ઔરંગઝેબે ગુજરાતના જે જે ખેડૂતો જે જે જમીનો ખેડતા હતા તે બધી જમીનોના તેમને કાયમના માલિક બનાવ્યા. આથી પાટીદારોને પોતાની માલિકીની જમીન વધારે ફળદ્રુપ બનાવી તેમાંથી વધારે ઉત્પાદન લેવાનું મમત્વ જાગ્યું. ઉપરાંત પાટીદારોએ દરેક ગામની જમીન મહેસૂલના ઈજારા-મહેસૂલની કુલ રકમ ભરવાનું માથે લીધું. આથી પાટીદારો જે જે ગામોમાં ખેતી કરતા હતા તે ગામો છોડીને બીજાં ગામો તરફ ભ્રમણ કરવાનું બંધ કર્યું. આમ પાટીદારો ઈ.સ. ૧૬૬૬ પછી ગુજરાતનાં ગામડાંઓમાં સ્થિર થયા
No comments:
Post a Comment