Thursday, November 26, 2009

history of patel 7

વૈદિક કાળથી કડવા પાટીદારો ઈન્દ્ર અને મા ઊમિયાની સ્તુતિ કરતા આવ્યા છે. તેના પ્રમાણો ઋગ્વેદમાં અને પાટીદારોની હાલની જીવંત પરંપરાઓમાં જોવા મળે છે.

આ ઊંઝા આસપાસના ગામોના પાટીદારો હાલમાં ગામોગામ માતાજીની પલ્લીઓ કાઢે છે. આ પલ્લી એ પ્રાચીન ધનધાન્ય- અન્ન- પાલન-પોષણ અને રક્ષણ કરનારી ઊમિયા માતાજીની પૂજાનો એક ભાગ છે. કાળક્રમે આ દેવીની પૂજા ઘસાતી-ઘસાતી જુદા જુદા સ્વરૃપે હાલમાં જીવંત છે. આ પલ્લીઓ ભરનાર બધા જ ગામોમાં પાટીદારો આ માતૃકાપૂજામાં કેન્દ્રસ્થાને રહેલા છે. આ પલ્લીઓ કાઢનારા ગામોમાં પાટીદારો દરેક પાટીદારના ઘેરથી બાકળા માટે તેમ જ પૂજાવિધિ માટે જરૃરી ધન-ધાન્ય જેવા કે ઘઉં, જુવાર, ઓળા, અડદ, તલ, મગ, ચોખા અને ઘી ઉઘરાવે છે તેમ જ જરૃરી ખર્ચ પેટે પાંચ-દસ રૃપિયા ઘરદીઠ ઉઘરાવે છે. પાટીદાર સિવાય બીજા કોઈના ઘેરથી આ ધન-ધાન્ય અને ઉઘરાણું લેવામાં આવતું નથી.

મોટા ભાગે આ પલ્લીઓ દર વર્ષે લગભગ ચૈત્ર કે આસોની નવરાત્રી દરમિયાન કે નવરાત્રી પછીના દિવસોએ પણ કાઢવામાં આવે છે. તો કેટલાક ગામોએ દર ૫-૭-૯ કે ૧૧ વર્ષે પણ આવી પલ્લીઓ કાઢવામાં આવે છે. સમગ્ર હિન્દુસ્તાનમાં કડવા પાટીદારોનું મુખ્ય કેન્દ્ર ઉમાપુર (ઊંઝા) નગર છે.

ઉમાપુર (ઊંઝા)માં ઊમિયા માતાજીની પલ્લી ભરાય છે, પરંતુ આ પલ્લી પ્રાચીન ખંડિત થઈ ગયેલા ઊમિયા માતાજીના સ્થાનકની પાસે આવેલા મોલ્લોત શાખના મોટા માઢમાંથી નીકળે છે. આ મંદિર વિ. સં. ૧૩૫૬માં દિલ્હીના સુલતાન અલ્લાઉદ્દીન ખીલજીના ગુજરાત ઉપરના હુમલા વખતે ખંડિત થયેલું છે. અણહિલપુર પાટણના છેલ્લા રાજપૂત રાજા કરણઘેલાના પ્રધાન માધવે તેને ગુજરાત ઉપર આક્રમણ કરવા નિમંત્રણ આપેલું. અલ્લાઉદ્દીન ખીલજી આ નિમંત્રણને માન આપીને ગુજરાત ઉપર ચઢી આવ્યો. આ સમયે ઊંઝા,સિદ્ધપુર, પાટણ જેવા ઉત્તર ગુજરાતનાં ઘણાં ખ્યાતનામ મંદિરોનો ધ્વંસ કરવામાં આવ્યો હતો. આ મુસ્લિમ સેનાના ગુજરાત ઉપરના આક્રમણના સમાચાર જાણીને ઊંઝાના પ્રખ્યાત માતૃકા મંદિર ઊમિયા માતાજીના મંદિરમાંથી માતાજીની પ્રતિમા ખસેડીને મોટા માઢના એક ઘરમાં એક ગોખમાં સંતાડી દેવામાં આવી હતી. આ માતાજીની કેન્દ્રસ્થ પ્રતિમાને સંતાડી દીધા બાદ ઊંઝા ઉપર મુસ્લિમોનું આક્રમણ થયું. જગત પ્રસિદ્ધ ઊમિયા માતાજીના મંદિરનો ધ્વંસ થયો. સર્વત્ર હાહાકાર મચી ગયો. હાલમાં મોટા માઢમાં જ્યાં ઊમિયા માતાજીની જે પ્રતિમા સંતાડી હતી તે ગોખની પૂજા થાય છે.

પટેલ નારણદાસે ગોઝારિયા વસાવ્યું

વિ. સં. ૮૦૨માં વનરાજ ચાવડાએ પાટણ શહેરનું તોરણ બાંધ્યું. સંવત ૮૨૦ના મહા વદી-૭ ને શનિવારના દિવસે પાટણ શહેરનું તોરણ બાંધવામાં આવ્યું હતું. તે સમયે વનરાજે પોતાના કારભારી ચાંપરાજને ઊંઝા ગામે ગાડાં લેવા માટે મોકલ્યા. શેઠ ચાંપરાજે ઊંઝા આવીને પોતાનો મુકામ કર્યો. તે વખતે પટેલ નારાયણદાસ એક પાટીના આગેવાન હતા. પટેલ નારણદાસને ચાંપરાજે પોતાની સાથે ગાડાં લઈને પાટણ આવવા માટે કહ્યું. પટેલ નારણદાસે ચાંપરાજની વાત માની નહીં અને ચોખ્ખું સંભળાવી દીધું, "અમે કોઈની વેઠ કરતા નથી." આથી કારભારી ચાંપરાજને જ ક્રોધ થયો. તેણે પટેલ નારણદાસને કહ્યું, "પટેલ તમે જો આ ગામમાં (ઊંઝા)માં રહો તો તમને ગરદન મારું, તમારે જો જીવતા રહેવું હોય તો ઊંઝા ગામની હદ બહાર ચાલ્યા જાવ. પાટણનું તોરણ બાંધ્યા બાદ હવે આ નગરમાં પણ અમારી હકૂમત ચાલશે."

નારણદાસ પટેલ પોતાના ભાઈઓની સાથે ૨૦૬ ગાડાં ભરીને આખા માઢની પોતાની આખી પાટી લઈને ચાલી નીકળ્યા. જતાં જતાં વનમાં ઉચાળા છૂટયા. આવી વાત સાંભળી આ સમયે વનરાજે પાટણમાંથી ૨૦ ઘોડાનું સૈન્ય મોકલ્યું. આ સૈનિકોએ પટેલોના ઢોર-ઢાંખર અને તેમની સાથેના માણસો-વસવાયા વગેરેને પાછાં વાળવા માંડયા. વનરાજના સૈનિકોને અટકાવ્યા. ત્યાં યુદ્ધ થયું. પટેલોની વનરાજના આ થાણા સામે જીત થઈ ત્યાં અનેકોને લોહી રેડાયા. જમીન ગોઝારી થઈ. પટેલોની આ સ્થળે જીત થઈ તેથી એ જમીન તેમને પોતાને અનુકૂળ લાગી. તેથી તેઓએ એ સ્થળે ગામનું તોરણ બાંધ્યું અને ગામ વસાવ્યું. તે ગામ તે હાલ ગોઝારિયા

ઊંઝામાં પટેલો પર કરવેરા ઝીંકાયા

વનરાજ ચાવડાએ પાટણનગર વસાવ્યું. તે પૂર્વે ઊંઝા નગરના પાટીદારો સ્વતંત્રપણે ગણ રાજ્યોની પરંપરા પ્રમાણે પોતપોતાની પાટીઓમાંથી નેતા ચૂંટતા. આ ચૂંટાયેલા આગેવાનો તેમનામાંથી એક કેન્દ્રીય આગેવાન (રાજા) ચૂંટતા. એને રહેવા માટેની અલાયદી વ્યવસ્થા હતી. જે સ્થળને આજે રાજગઢીકે રાજગઢતરીકે ઓળખવામાં આવે છે. આ ચૂંટાયેલા આગેવાનો બહુમતી નિર્ણયથી ઊંઝા નગર અને પંથકનો વહીવટ કરતા હતા. ત્યારે આ સમયે વનરાજ ચાવડાએ પાટણ શહેરનું તોરણ બાંધ્યું. વનરાજની નજર પોતાના રાજ્યની મહેસૂલી ઊપજ ઉપર હતી. સ્વતંત્ર સ્વભાવના પાટીદારોએ આ પાટણ રાજ્યનો અને વનરાજની કરવેરા નાંખવાની નીતિ-રીતિનો વિરોધ કર્યો. ઊંઝાની પાટીઓના આગેવાનોમાં બે ભાગ પડી ગયા. વનરાજે કેટલાક આગેવાનોને ફોસલાવી પોતાના પડખે કરી લીધા. વિરોધ કરનારાઓ ઊંઝા છોડી અન્ય ગામો વસાવી સ્વતંત્રપણે રહેવા લાગ્યા. વનરાજ ઊંઝા ગામે કોઈ બળવાન વ્યક્તિને પટાવત તરીકે નિમણૂક કરવા માગતો હતો. ત્યારે પતરામલજીએ પાટણ આવવું પડયું. ત્યારે વનરાજ ચાવડાએ પતરામલને ગઢ ઊંઝાનો પટ્ટો આપ્યો. જાગીરદારી આપી. ઊંઝા ઉપરાંત ઊંઝા આસપાસના બાર ગામોનો વહીવટ તેના પટ્ટામાં સામેલ કરાયો હતો. પતરામલના આવવાથી ઊંઝા નગરમાં રણા (રાણા રજપૂતો) આવીને વસ્યા. આ રણા પતરામલજીએ વિ. સં. ૮૩૧ના ચૈત્ર વદ-૧૩ ને બુધવારના દિવસે ઊંઝા નગરમાં દરબાર કરાવ્યો. ઊંઝાના કણબીઓ ઉપર આકરા કરવેરા ઝીંક્યા. પોતાની ધાક જમાવી. તેનાં સંતાનો પણ ઊંઝામાં ધાક-ધમકી આપવા માંડયા.

જાદવ રાજપૂતોની સામૂહિક કતલ

ઊંઝા એ ઊથલપાથલો અને સંઘર્ષનું નગર રહ્યું છે. વનરાજના સમયમાં ઊંઝામાં રાણા રજપૂતો આવ્યા. તેમનો ત્રાસ, જોરજુલમ વધતાં તેમને મારવા માટે સિદ્ધરાજે ઊંઝામાં જાદવોને મોકલ્યા. રાણાઓને મારી નાખી, જાદવો ઊંઝામાં વસ્યા.

વિ. સં. ૧૧૪૨થી ઊંઝામાં આવીને સ્થિર થયેલા જાદવોના વિ. સં. ૧૪૨૫ આસપાસ ૩૦૦ જેટલા ઘર (કુટુંબો) થયા હતા. આ જાદવ ગરાસિયા ગામમાં ઘણી અનીતિ, દૂરાચાર કરવા લાગ્યા. ગામમાં કોઈ બોલાચાલી થાય તો ૩૦૦ બરશી (ભાલા) સાથે રાજપૂત જાદવો દોડી આવતા. આ જાદવો એટલા માથાભારે થયા હતા કે તેમની સામે કોઈ બોલી શકતું નહીં. ઊંઝાના વાણિયા પણ આ જાદવ રાજપૂતોથી ત્રાસી ગયા હતા. તેથી તેઓના આગેવાન શેઠ (વાણિયા) જાદવોને મરાવવા તૈયાર થયા. આ ત્રણે જણા હાંમો મોલ્લોત,ઝાંઝણ, રૃસાત અને શેઠ ત્રણે જણા અમદાવાદ આવ્યા. આ વખતે અમદાવાદમાં અહેેમદશાહ ગાદી ઉપર હતો. આ બાદશાહને મળવા માટે આ ત્રણે જણા અમદાવાદ આવ્યા. બાદશાહને મળ્યા પછી જાદવોનું કાસળ કાઢી નાખવા એક કાવતરું ઘડી કાઢવામાં આવ્યું. ઊંઝા ગામમાં જાતરા કરીને આવ્યાની ખુશીમાં એક જમણવારનું આયોજન કરવામાં આવ્યું. અહમદશાહ બાદશાહે છૂપા વેશે જદરાણા મુસલમાનોને ઊંઝા મોકલ્યા.સવારે આખા ગામમાં નોતરું ફેરવ્યું. સહુ પહેલાં જાદવોમાં જમવાનું નોતરું ફેરવ્યું. સહુ જાદવો જમવા આવજો, દારૃ પણ મંગાવ્યો છે.

સહુ જાદવો જમવા આવ્યા. ઓરડાવાળા માઢમાં બેસાડીને ખૂબ દારૃ પાયો. પછી જમવા બેસાડયા. જમતાં જમતાં જાદવોએ છાશ માંગી ત્યારે પિરસણીઓએ બધા ઓરડાના દરવાજા ખોલી નાખ્યા અને માઢના દરવાજા બંધ કરીને તાળાં મારી દીધાં. પિરસણીયાને હવે ગંધ આવી ગઈ એટલે તેઓ બારીએ થઈ થઈને નાસી ગયા. પોતાના બધા માણસો બહાર આવી ગયા એટલે હાંમા મોલ્લોતે બંદૂકનો ભડાકો કર્યો. બંદૂકનો ભડાકો થતાં જ ઓરડામાં છુપાઈ રહેલા અહમદશાહ બાદશાહે મોકલેલા જદરાણા મુસલમાનો બહાર નીકળીને જાદવ રજપૂતો ઉપર તૂટી પડયા. આ જદરાણાઓએ જે જાદવ સ્ત્રીઓ સગર્ભા હતી તેમનો ગર્ભ કાઢી નાખીને સમગ્ર જાદવોનો વંશ કાઢી નાખ્યો. વિ. સં. ૧૪૭૬ના ચૈત્ર સુદી આઠમના દિવસે જદરાણા મુસલમાનોએ જાદવોને મારી નાંખ્યા. જદરાણા મુસલમાનો ઊંઝા ગામમાં વસ્યા. એ પછી ઊંઝામાં સ્થિર થયેલા જદરાણા મુસલમાનોએ પણ ઊંઝાના પાટીદારો પર ત્રાસ વર્તાવ્યો અને તેમને પણ યુક્તિપૂર્વક હટાવવામાં આવ્યા તેની એક સ્વતંત્ર કથા છે

Monday, November 23, 2009

history of patel 6

બ્રહ્માના બે પુત્રો મરિચી અને અત્રિ. મરિચીના કશ્યપ. વિશ્વ મનુથી ઈક્ષ્વાકુને સૂર્યવંશમાં રામ થયા. અત્રિના સમુદ્ર, ચંદ્ર, ઇલાને બુધ, પુરવા, આયુ, નહુસ. યયાતીના યદુથી ચંદ્રવંશી ક્ષત્રિયોમાં કૃષ્ણ ભગવાનનો અવતાર થયો. આ બે ક્ષત્રિયો. ત્રેતાયુગમાં ક્ષત્રિયો ઘમંડી ને અહંકારી, અભિમાની થવાથી ભગવાન પરશુરામે અવતાર ધારણ કર્યો. જમદગ્નિ ઋષિનાં પત્ની રેણુકાથી જન્મ થયો છે. તેઓ હાથમાં ફરસુ લઈને યાત્રા કરતા ફરતા રહેતા.

જમદગ્નિ ઋષિનાં પત્ની રેણુકા અને સહસ્ત્ર અર્જુનની પત્ની મેણુકા જેઓ બંને બહેનો હતી. ઈક્ષ્વાકુ વંશના પ્રેમજિતસિંહની દીકરીઓ હતી. રેણુકાએ જમદગ્નિ સાથે લગ્ન કર્યાં અને મેણુકાએ સહસ્ત્રાર્જુન સાથે લગ્ન કરેલ.

જમદગ્નિ ઋષિ લોકોતર મહાન શક્તિ હતા અને લોકો તેમના આદેશના આધીન રહેતા. આવી મહાન શક્તિ જમદગ્નિ બ્રાહ્મણ પાસે કોઈ હથિયાર નથી, હાથમાં દર્ભ લઈને ફરે છે, છતાં માણસોના મન ઉપર તેમનો પ્રભાવ કેમ ચાલે છે ?

સહસ્ત્રાર્જુનને અભિમાન અને અહંકાર થયો. તેણે દરિયા સામે ચઢાઈ કરી, દરિયા જોડે લોકો રહેતા હતા તે માછીમારોએ કહ્યું કે, અમારા ઉપર દમદાટી કરે છે, પણ તારા માટે પરશુરામ ઊભો છે. ત્યારે પરશુરામની ખાતરી કરવા જમદગ્નિ ઋષિની કામધેનુ ગાય અને વાછરડું ચોરાવી લાવ્યાં ત્યારે આશ્રમના માણસો ગાય-વાછરડું શોધતાં સહસ્ત્રાર્જુન પાસે આવ્યા ને અમારું ગાય-વાછરડું ચોરાયું છે તેમ કહ્યું ત્યારે સહસ્ત્રાર્જુને કહ્યું કે, વાહ, તમે મારી પાસે આવ્યા છો ? તમારા આશ્રમમાં પરશુરામ છે તેની પાસે જાઓ મારી પાસે આવવાનું શું કારણ ?

પરશુરામ ફરતા ફરતા આશ્રમમાં આવ્યા, ત્યારે બનેલી વિગત જાણી જેથી પરશુરામે સહસ્ત્રાર્જુનના ઘોડા હાથી મારી અને આહ્વાન કર્યુ તે પછી સહસ્ત્રાર્જુન સાથે યુદ્ધ કરી તેને મારી ગાય-વાછરડું પરત લાવી આશ્રમમાં આવ્યા. પરંતુ તેમને દુઃખ થયું કે માણસ ભલે બગડી ગયો હતો, પણ તેણે જગત બદલી દેખાડયું છે. આ કારણથી તેઓ યાત્રા કરવા નીકળી ગયા.

ત્યાર બાદ સહસ્ત્રાર્જુનના પુત્રોએ જમદગ્નિ ઋષિના આશ્રમમાં જઈ ઋષિને કાપીને ટુકડે ટુકડા કરી મારી નાખ્યા. ત્યાર પછી પરશુરામ યાત્રા કરી પરત આશ્રમમાં આવ્યા ત્યારે માતા રેણુકાએ રોક્કળ કરી મૂકી. ત્યારે આશ્રમના માણસોએ બનેલી વિગત જણાવી. ત્યારે પરશુરામના રોમે રોમ ક્રોધિત થયા અને હાથમાં ફરસુ (કુહાડી) લઈને ક્ષત્રિયોને વીણી વીણીને મારી તેમનાં રાજ્યો બ્રાહ્મણોને દાનમાં આપ્યાં. આવી રીતે રામથી કૃષ્ણ સુધી એકવીસ વખત પૃથ્વી નક્ષત્રિય કરી નાખી. પરશુરામે ક્ષત્રિયોને મારી ફરીથી શોધખોળ કરી મારવા લાગ્યાં ત્યારે તે સમયે કૃતયુગ પછી ત્રેતાયુગ પરશુમાં પરશુરામને સહસ્ત્રઅર્જુન રામના પહેલા અવતાર ધારણ કરેલ. તે સમયે પરીહાર (પરમાર) પઢિયાર, સોલંકી, ચૌહાણ, ગોહિલ, ચાવડા, મકવાણા કોમની શાખાઓ હતી. તે વખત સૂર્યવંશના દશરથ ને ચંદ્રવંશના યદુ આ બે ક્ષત્રિયોને પરશુરામે માર્યા નથી. બાકીના જે ક્ષત્રિય હતા તેમને એકવીસ વખત શોધીને માર્યા હતાં.

સહસ્ત્રઅર્જુનના છ પુત્રો આબુમાં મા અર્બુદા (કાત્યાયની)ના શરણે રહેવાથી પરશુરામ શોધતા શોધતા ત્યાં આવ્યાં ત્યારે મા અર્બુદાએ કહ્યું કે, .મારે શરણે આવેલ છે જેથી તેમને જીવતદાન આપો. હવેથી તેઓ ક્ષત્રિયપણું ત્યજી ખેતીવાડી કરશે ને પશુ ગાય-બળદનું ભરણપોષણ કરશે.. તેઓને મા અર્બુદાએ બચાવ્યા જેથી તેમનાં ચરણો-પગ પકડી આશીર્વાદ માગી કહ્યું, .હવેથી તમો અમારાં કુળદેવી છો તો હવેથી અમારી શાખ કઈ ?. ત્યારે મા અર્બુદાએ કહ્યું કે, શોધતાં જડયા જેથી જાટ ખેડૂત તરીકે તમારી શાખ રહેશે.જે છ પુત્રો બચી ગયા હતા તેમાંથી બે પુત્રો આબુ ઉપર રહી ખેતીવાડી શરૃ કરીને ચાર પુત્રો ઉત્તર ભારત તરફ જઈને ખેતીવાડી શરૃ કરી. તેમની વસ્તી વધવાથી ઉત્તરપ્રદેશ ને હરિયાણામાં ફેલાયા. ત્યાર પછી મુસલમાનોના હુમલાઓ સામે એકત્ર થઈ લડાઈ કરી મારી હઠાવતા. ત્યાર બાદ ૧. જાટોએ પ્રથમ રાજધાની કપુરથલા સ્થાપી રાજા જગતસિંહ ૨. બીજી નેહાલજી જાટને ધોલપુર રાજધાની સ્થાપી. ૩. વિક્રમસિંહે ફરીદકોટ રાજધાની સ્થાપી. ૪. ચોથી રાજધાની સૂરજમલે ભરતપુરમાં વિ. સં. ૧૭૦૫માં સ્થાપી.

ટોડરમલે રાજસ્થાન ઇતિહાસ લખ્યો તે વખતે જાટ લોકો ખેતી કરતા હોવાથી ખેતીકાર લખ્યું હશે, પરંતુ તેઓ ચંદ્રવંશના ક્ષત્રિયો જાટ છે જેઓ કાશ્યપ ગોત્રના છે. જાટ આબુ પર ખેતી કરતા. તેઓ મા અર્બુદાને કુળદેવી શરણે આવ્યાં છે જેથી કુળદેવી માને છે. જાટ આંજણા ચૌધરીઓની કુળદેવી મા અર્બુદા કાત્યાયની છે.

જાટ અને આંજણા ગામના ગેવાન જાગીરદાર ખેડૂત હોવાથી ચૌધરીની બંને કોમને પદવી મળેલ હોવાથી જાટ ચૌધરી આંજણા ચૌધરી શાખથી ઓળખાય છે. એક દંતકથા પ્રમાણે ચૌધરી અને જાટોએ સમૂહ જમણ રાખ્યું હતું. જમણમાં દારૃ, માંસ પીરસાતાં આંજણા ચૌધરીઓએ મા અર્બુદા આગળ માંસ-મદિરા ન લેવાની પ્રતિજ્ઞા અગાઉ લીધી હતી. જેથી ભાણા ઉપરથી ઊઠી ગયા. જે ઊઠી ગયા તે આંજણા ચૌધરી, બેઠા રહ્યા તે જાટ. ગુજરાતમાં ગાયકવાડના સમયમાં ગામ આગેવાન ખેડૂત હોવાથી તેમને પટેલની પદવી મળી હતી. ગુજરાતમાં આંજણા ચૌધરી કોમ તરીકે ઓળખાય છે

આંજણાઓ માટેનું ઐતિહાસિક મંતવ્ય

ઐતિહાસિક રીતે જોતાં પાટણની ગાદી ઉપર થયેલા સોલંકી રાજા ભીમદેવની પુત્રી અજના બાઈએ આબુ પર્વત ઉપર અંજનગઢ વસાવ્યો અને ત્યાં રહેનારાઓ આંજણા કહેવાયા. સોલંકીઓ ચંદ્રવંશી ક્ષ્ત્રિયો હતા એટલે આ મંતવ્ય પ્રમાણે પણ આંજણાઓ ક્ષત્રિય છે.

"આંજણા શબ્દનું મૂળ ઋગ્વેદમાં વપરાયેલા પંચા જનાઃ શબ્દમાં છે. આ પંચા જનાઃ શબ્દથી સૂચિત યયાતિના પાંચ પુત્રો પૈકી યદુના વંશજો યાદવો કહેવાયા અને આ યાદવ વંશમાં સહસ્ત્રાર્જુન થયા. યાદવોની જુદી જુદી શાખાઓ પડતાં પહેલાં વૈદિકકાળમાં યાદવોના સમૂહને પંચા જનાઃ કહેવામાં આવતા હતા. યદુના પાંચ પુત્રો (પંચા જનાઃ) હિમાલયના જે શિખર ઉપર રહેતા તે શિખરનું નામ મહાભારતકારે અંજન એવું આપેલું છે. અંજન શિખર ઉપરથી તેઓ અંજના અને પાછળથી આંજણા કહેવાયા" એમ શ્રી રામજીભાઈ મોતીભાઈ દેસાઈનું મંતવ્ય છે. આ મંતવ્ય પ્રમાણે પણ આંજણા પાટીદારો યાદવ વંશના ક્ષત્રિયો છે. ગેઝેટિયર ઓફ ધી બોમ્બે પ્રેસિડેન્સી ભાગ ૧૨ (ખાનદેશ)માં આંજણા પાટીદારો માટે નીચે પ્રમાણે લખ્યું છે : ખાનદેશ જિલ્લામાં રેવ અને ડોર આમ બે પ્રકારના ગુર્જરો છે. તેમાં રેવ ગુર્જરો ભિન્નમાલથી માળવા થઈ ખાનદેશમાં ગયેલા. તેમનાં ૩૬૦ કુળ છે અને તેઓ ગુર્જરો છે. ભિન્નમાલથી સ્થળાંતર કરી ફરતા ફરતા તેઓ ત્યાં સ્થાયી થયેલા છે. ગેઝેટિયર તેમની અનેક શાખાઓનાં નામ આપે છે. તેમાં અંજના, આંજણા, આભેય, પાટલિયા વગેરે મુખ્ય શાખાઓ છે. આ શાખાઓ પૈકી અંજના કે આંજણા નામવાળી શાખા સ્પષ્ટપણે સૂચવેલી છે.

  • પરશુરામના કોપથી બચવા મા અર્બુદાએ જે ક્ષત્રિયોને બચાવ્યા તે જાટ અને આંજણા

ઇ.સ. ૯૫૩માં ભિન્નમાલ ઉપર પરદેશીઓનું આક્રમણ થયું ત્યારે કેટલાક ગુર્જરો ભિન્નમાલ છોડીને અન્યત્ર ગયા. આમાં બ્રાહ્મણ, ક્ષત્રિય,વૈશ્ય અને શૂદ્ર એમ બધી જાતિઓ હતી. આ વખતે આંજણા પાટીદારો લગભગ ૨૦૦૦ ગાડાંઓમાં ભિન્નમાલથી નીકળીને ચંદ્રાવતીમાં આવીને વસ્યા. ત્યાંથી કચ્છના ધાનદાર પ્રદેશમાં અને ત્યાંથી છેવટે ગુજરાતમાં આવીને વસ્યા એમ ભાટચારણોના ચોપડાઓ તથા કેટલેક અંશે ઇતિહાસનાં પાનાંઓમાં પણ નોંધ છે. આ ઐતિહાસિક નોંધો ઉપરથી પણ કહી શકાય કે આંજણા પાટીદારો ગુર્જર ક્ષત્રિયોના (એટલે આર્ય પ્રજાના) સીધા વંશજ છે. આંજણા પાટીદારોની શાખામાં જાટ શબ્દ આવે છે ત્યારે જાટ જ્ઞાતિના. ઇતિહાસના અધ્યયનમાં હિન્દી ભાષામાં અનજરે-અનજણે- આંજણે એમ ભાષા ભેદથી અપભ્રંશ થયેલ શબ્દો જોવા મળે છે. આ ઉપરથી સમજાય છે કે, જાટ અને આંજણા પાટીદારો આ બંનેના કુળો એક જ છે અને આ બંનેની ઉત્પત્તિ એક જ પુરુષમાંથી વર્ણવેલી છે તે યથાર્થ છે.જાટ અને આંજણા પાટીદારો બંને એક જ કુળના છે.

Sunday, November 22, 2009

history of patel 5

કચ્છમાં કૂર્મી ક્ષત્રિયો ક્યારે અને ક્યાં થઈને પ્રવેશ્યા તે સમજતાં પહેલાં કચ્છની હાલની અને પ્રાચીન સમયની ભૌગોલિક સ્થિતિ સમજવી જોઈએ. હાલમાં કચ્છની ઉત્તરે મોટું રણ છે અને આ રણની ઉત્તરે પાકિસ્તાનનું સિંધ છે. કચ્છની પૂર્વ અને દક્ષિણ દિશામાં નાનું રણ છે અને તે બાજુએ ગુજરાતના બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાઓ આવેલા છે. પણ ઈ.સ. પૂર્વે કચ્છનાં આ બંને રણના સ્થળે પ્રાચી, સરસ્વતી, લૂણી અને બનાસ નદીઓ વહેતી હતી. આ નદીઓ કચ્છના તે સમયના ફળદ્રુપ પ્રદેશોમાંથી વહેતી અને કચ્છના અખાતમાં પડતી હતી. સિંધુ અને બીજી કેટલીક નદીઓ કચ્છના ઉત્તરના પ્રદેશમાં સમુદ્રને મળતી હતી. આમાંની કેટલીક નદીઓ ધીમેધીમે અધવચ લુપ્ત થઈ ગઈ અને કેટલીક પોતાનાં વહેણ બદલીને સિંધુ નદીમાં ભળી ગઈ. સમય જતાં સિંધુનાં મુખ વધારે ને વધારે પશ્ચિમ તરફ ખસતાં ગયાં અને છેવટે તેનો પૂરણનામનો એક ફાંટો જ કચ્છમાં બાકી રહ્યો. આ ફાંટો કચ્છના પશ્ચિમ ભાગમાં થઈ અરબી સમુદ્રને મળતો હતો. આ નદીનું વહેણ પણ ઈ.સ. ૧૭૬૪માં ઝારાના યુદ્ધ પછી સિંધના અમીર ગુલામશાહે મોરામાં બંધ બંધાવીને કચ્છમાં આવતું અટકાવી દીધું. આ બંધના લીધે લખતરની ઉત્તરે આવેલાં છછઈ પ્રદેશનાં ડાંગરોનાં ખેતરોની ફળદ્રુપતા ઓછી થઈ ગઈ.

૧૮૧૯નો ધરતીકંપ
આ પછી પણ સિંધુ નદીના જે નાના ફાંટાઓ કચ્છમાંથી પસાર થતા હતા તે ઈ.સ. ૧૮૧૯ના ધરતીકંપના લીધે બંધ થતા ગયા. ધરતીકંપના લીધે નવા બનેલા નીચાણવાળા ભાગોમાં દરિયાનાં પાણી ફરી વળ્યાં અને આ ભાગ ખારોપાટ થયો. કેટલાક ભાગો ખડકાળ અને પથ્થરિયા બન્યા, કેટલાક ભાગોમાં રણ ઊપસી આવ્યાં અને આમ કચ્છની ફળદ્રુપતા ઓછી થઈ ગઈ. આમ પ્રાચીન સમયમાં કચ્છમાં અનેક નદીઓ વહેતી હતી. કચ્છ ખેતી માટે ફળદ્રુપ પ્રદેશ હતો અને ખેતી તથા પશુપાલનનો ધંધો કરનાર કૂર્મી ક્ષત્રિયોને પોતાની વસાહતો સ્થાપવા માટેનું કચ્છ અનુકૂળ સ્થળ હતું.

કૂર્મી ક્ષત્રિયોનો કચ્છમાં પ્રવેશ
ઈ.સ. પૂર્વે ૩૦૦ના અરસામાં ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં પંજાબમાંથી કૂર્મી ક્ષત્રિયોનાં ટોળાં ગુજરાતમાં આવ્યાં ત્યારે જ કચ્છમાં કૂર્મી ક્ષત્રિયોનાં ટોળાંઓએ પ્રવેશ કરેલો જણાય છે. આ ટોળાં સિંધ, રાજસ્થાન અને રાધનપુરના માર્ગોથી કચ્છમાં દાખલ થયેલાં જણાય છે. આ ટોળાંઓમાં લોર અને ખારી બંને કૂર્મીઓ હતા એટલે કચ્છમાં શરૃઆતથી જ લેઉઆ અને કડવા એમ બંને પેટા જ્ઞાતિઓના પાટીદારો વસતા હતા અને ખેતી કરતા હતા.

ઈ.સ. ૧૪૪૯માં ઈમામશાહ નામના એક સૈયદ ઇરાનથી મુસાફરી કરતા કરતા ગુજરાતમાં આવ્યા હતા. તેમણે અમદાવાદ નજીકના ગીરમથા ગામની સીમમાં મુકામ કર્યો હતો. આ વખતે ત્રણ-ચાર વર્ષથી ભારે દુકાળના લીધે ત્યાંના પાટીદારો ખૂબ દુઃખી હતા. આ કણબીઓ ઈમામશાહને પવિત્ર સંત માનીને ક્યારે સારાં વર્ષ આવશે અને સારો વરસાદ પડશે તે પૂછવા ગયા. ઈમામશાહના કહેવા મુજબ તે જ વર્ષે સારો વરસાદ પડયો અને કણબીઓ સુખી થયા આથી કણબીઓમાં ઈમામશાહની એક મહાત્મા તરીકે ખ્યાતિ થઈ. આ સમયમાં કાશીની યાત્રા કરીને પાછા ફરતાં સુરત અને વલસાડ જિલ્લાના કેટલાક કણબીઓનો ગીરમથે મુકામ થયો. તેમને પણ ઈમામશાહે કાંઈક ચમત્કાર બતાવ્યો. આથી આ બધા કણબીઓમાં ઈમામશાહની પ્રતિષ્ઠા ખૂબ વધવા લાગી અને આજુબાજુનાં ગામડાંઓના કણબીઓ તેમના શિષ્ય થવા લાગ્યા.

ઈમામશાહે શરૃ કરેલો પીરનો પંથ
ઈમામશાહે ગીરમથા પાસે પિરાણામાં મુકામ કર્યો અને ત્યાંથી પીરનો પંથ (ધર્મ) શરૃ કર્યો. અડાલજ, ઊંઝા તથા આજુબાજુના ઘણા કણબીઓ આ ધર્મમાં દાખલ થયા. આ પંથના કણબીઓએ કચ્છમાં શિકરા નામનું ગામ વસાવી ત્યાં પિરાણાપંથ શરૃ કર્યો. ગુજરાતના જે કણબીઓ પિરાણા પંથમાં દાખલ થતા હતા તેમાંથી ધણાં બધા પાટીદારો કચ્છના શિકરા ગામે વસવાટ માટે ગયા. આ પાટીદારો શિકરાની આજુબાજુનાં ગામડાંઓમાં વસ્યા અને ત્યાં ખેતી કરવા લાગ્યા. આવા કણબીઓનાં કેટલાંક ગામોના હેવાલ આ મુજબ છે ઃ કચ્છના સઘળા પિરાણાપંથી કણબીઓ ક્રમે ક્રમે ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાંથી નીકળીને કચ્છના વાગડ પ્રદેશના શિકરા ગામે આવ્યા અને ત્યાં પોતાના સ્વધર્મીઓ સાથે મળીને શાંતિથી ખેતી કરવા લાગ્યા. કચ્છનો પ્રદેશ ઘણાં વર્ષોથી ખેતીવાડીમાં પછાત હતો. એ સંજોગોમાં કચ્છના રાવને (રાજાને) ગુજરાતના કાબેલ ખેડૂતો અનાયાસે મળી જતાં રાવે આ ખેડૂતોને આખા કચ્છમાં વસાવ્યા. કચ્છના પાટીદારો ખૂબ મહેનતુ છે અને કરકસરતા તથા સાદાઈથી રહે છે. હાલમાં ગુજરાતના પાટીદારોની માફક તેઓ પણ દુનિયાના ઘણા દેશોમાં આજીવિકા અને કમાણીની શોધમાં પહોંચી ગયા છે.

  • પવિત્ર ઈમામશાહના ચમત્કારથી પ્રભાવિત થયેલા પટેલોએ પીરાણા પંથ સ્વીકાર્યો

પીરાણાપંથ પાડતા કડવા પાટીદારો સાબરકાંઠાના અનેક કંપાઓમાં જઈને વસ્યા છે અને સુંદર જીવન જીવે છે. આવા ઘણા પાટીદારો મુંબઈ પણ ગયા છે અને મુંબઈમાં ખારઘર ખાતે બિલ્ડીંગ કન્સ્ટ્રકશનના વ્યવસાયમાં પરોવાઈ જઈને આર્થિક રીતે ખુબ સુખી થયા છે. તેમણે સાબરકાંઠામાં ઘણાં મંદિરો પણ બાંધ્યાં છે. પીરાણા પંથના મંદિરો નિષ્કલંકી જ્યોતિ મંદિરો તરીકે ઓળખાય છે. તેમના મંદિરોમાં ઇમામશાહની પાદુકાનું પૂજન થાય છે. આ મંદિરોમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની પ્રતિમાઓ છે. આ મંદિરોમાં સવાર-સાંજ બંને સમય આરતી પણ થાય છે. નિષ્કલંકી નારાયણ એક દિવસ ફરી પૃથ્વી પર આવશે તેવી આશા સાથે તેમની આરાધના થાય છે. નિષ્કલંકી મંદિરોમાં શક્તિની અખંડ જ્યોત પ્રગટાવેલી હોય છે. આ મંદિરોની ઉપર શ્વેત ધ્વજા પણ ફરકતી હોય છે. ઓલ ઇન્ડિયા સંત સમિતિએ પીરાણા પીઠને પાંચમી પીઠ તરીકે જાહેર કરી છે. અમદાવાદ નજીક આવેલી પીરાણા પીઠ પર પીરાણા પંથના ગાદીપતિ તરીકે હાલ જગતગુરુ સંતપંથાચાર્ય શ્રી નાનકદાસજી મહારાજ બિરાજે છે. કચ્છના બાકીના સનાતન પંથી તરીકે ઓળખાય છે અને બધા જ એકબીજા સાથે હળીમળીને રહે છે.

કૂર્મી ક્ષત્રિય અને સુદર્શન તળાવ
ચંદ્રગુપ્ત મૌર્યે સૌરાષ્ટ્રના કૂર્મી ક્ષત્રિયોની ખેતી અને પશુપાલનને ઉત્તેજન આપવા ગિરિનગરમાં સુદર્શન તળાવ બંધાવ્યું હતું. અશોકે આ તળાવમાંથી નહેરો કાઢી કૂર્મી ક્ષત્રિયોના વ્યવસાયને ઉત્તેજન આપ્યું હતું. સુદર્શન તળાવનું આ વર્ણન અશોકના ગિરનારના શિલાલેખ પર છે. અશોકના શિલાલેખના ખડકની બીજી બાજુએ ઈ.સ. ૧૫૦માં થયેલ ક્ષત્રપ રાજા રૃદ્રદામાનો બીજો શિલાલેખ છે. ઈ.સ. ૩૯૫માં ગુપ્ત રાજાઓની સત્તા ગુજરાતમાં હતી. એ સમયે પણ ગિરિનગર ગુજરાતનું પાટનગર હતું. ગુપ્ત રાજાઓના સમયના સૌરાષ્ટ્રમાંથી મળી આવેલાં કેટલાંક તામ્રપત્રોમાં કણબી અને કુટુંબી શબ્દો વપરાયેલા છે. આ ઉપરથી સમજાય છે કે, કૂર્મીઓ (કણબીઓ) મૌર્ય અને ગુપ્ત રાજાઓના સમયમાં સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં વસતા હતા. ઈ.સ. ૧૩૦૦થી ઈ.સ. ૧૮૦૦ સુધીના સમયમાં ગુજરાતમાં મુસલમાન સૂબાઓ અને બાદશાહોનું રાજ્ય હતું ત્યારે આ ધર્મઝનૂની સૂબાઓના ત્રાસથી કંટાળીને ગુજરાતના ઘણા પાટીદારોએ સૌરાષ્ટ્રમાં વસવાટ કર્યો છે. અડાલજથી ખેડા જિલ્લામાં ગયેલા વસો, સોજિત્રા અને નડિયાદનાં ઘણાં કુટુંબો સૌરાષ્ટ્રમાં વસ્યાં છે. આ સમયે ઊંઝા, સિદ્ધપુર અને વડનગર પ્રદેશમાંથી ઘણા પાટીદારો કચ્છ અને સૌરાષ્ટ્રમાં જઈને વસ્યા છે. હાલમાં સૌરાષ્ટ્રના બધા જ જિલ્લાઓમાં કણબીઓ (પાટીદારો) વસે છે. તેમણે સૌરાષ્ટ્રનાં ગામડાંઓમાં પોતાની વસાહતો સ્થાપી સૌરાષ્ટ્રને ફળદ્રુપ પ્રદેશ બનાવ્યો છે. આમ સૌરાષ્ટ્રના પાટીદારો ગુજરાત અને કચ્છના લેઉવા અને કડવા પાટીદારોની માફક પંજાબના કૂર્મી ક્ષત્રિયો છે અને ઈ.સ. પૂર્વે ૩૦૦ના અરસામાં ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં ગુજરાત અને કચ્છના પાટીદારોની સાથે સાથે સૌરાષ્ટ્રમાં આવીને વસ્યા છે.

ભારતમાં કૂર્મી વિસ્તાર
કૂર્મીઓનો અસલ વસવાટ પંજાબમાં હતો. પંજાબ પર થતાં અનેક આક્રમણોને લીધે જીવનનિર્વાહની શોધમાં કૂર્મીઓ ઉત્તર ભારતમાં મથુરા સુધી ફેલાયા હતા. ત્યાંથી કૂર્મીઓનો એક વિભાગ કોટા અને મંદેસરના રસ્તે થઈને હાલના સિદ્ધપુર અને વડનગરની નજીકના પ્રદેશમાં વસ્યો. કૂર્મીઓનો બીજો વિભાગ રાજસ્થાનના જયપુર અને ભિન્નમાલના રસ્તે થઈ પાટણવાડો, અડાલજ પ્રદેશ અને છેવટે ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના ગામડે ગામડે વસ્યો. આ કણબીઓનાં મધ્યપ્રદેશમાં નર્મદાની ઉત્તરે, પશ્ચિમે અને દક્ષિણે લગભગ ૫૦૦ જેટલાં ગામ છે. માળવામાં નર્મદાની પૂર્વ દિશામાં કૂર્મીઓનાં ગામડાં ઘણાં ઓછાં છે. મથુરામાં વસેલા કૂર્મીઓનો મોટો ભાગ ગંગા જમનાની ફળદ્રુપ ખીણોમાં આગળ વધતો વધતો આખા ઉત્તર ભારતમાં ફેલાયો છે. ઈ.સ. ૧૭૫૦ સુધીમાં ગુજરાતના પાટીદારો ગુજરાત,સૌરાષ્ટ્ર અને કચ્છના ગામડે ગામડે પહોંચી ગયા અને ત્યાં નાની-મોટી વસાહતો સ્થાપી સ્થિર થયા

Wednesday, November 18, 2009

history of patel 4

અડાલજના ૭૦૦ માઢ

ઈ.સ. ૧૩૦૦થી ઈ.સ. ૧૪૦૦ સુધીનું અડાલજ ખૂબ જાહોજલાલીવાળું નગર હતું. તેનો ખંભાત સાથેનો વેપાર અને ભાડે ગાડાં ફેરવવાનું કામકાજ ખૂબ ધમધોકાર ચાલતું હતું.

વઢવાણના બારોટોના ચોપડાઓની નોંધ પ્રમાણે ઈ.સ. ૧૩૦૦થી ઈ.સ. ૧૪૦૦ના અરસામાં અડાલજમાં પાટીદારો, વાઘેલા, રજપૂતો, વણઝારા, ભાટ, બારોટો, ભટ્ટ, કવિઓ અને મોઢ વાણિયાઓના ૭૦૦ જેટલા માઢ હતા. આ ચોપડાઓમાં માઢનો અર્થ ગટર અને પાણીની સંપૂર્ણ સગવડતાવાળું ઘર અથવા ખડકી એવો કરેલો છે.

હાલમાં પણ અડાલજમાં પંદર ફૂટ ઊંડે ખોદકામ કરતાં ગટર અને પાણીનાં ટાંકાઓ સાથેના ઘરવાળા ઈંટોના પાયા મળી આવે છે.

અડાલજ અને ઘીના ૭૦૦ કાંટા :

બારોટોના ચોપડાઓે પ્રમાણે અડાલજના દરેક માઢમાં એકેક ઘી વેચવાનો કાંટો હતો. આમ અડાલજમાં ઘી વેચવાના ૭૦૦ કાંટા હતા. તે સમયે અડાલજમાં કેટલું પશુધન હશે અને અડાલજની સમૃદ્ધિ કેટલી હશે. તેનો આ એક સબળ પુરાવો છે.

અડાલજ નવસો નવ્વાણું નાડીનું ગામ હતું. નાડીનો અર્થ ફક્ત એક જોડ બળદ એવો થાય છે. ઈ.સ. ૧૪૦૦ સુધી અડાલજનાં ૨૦૦૦ જેટલાં ગાડાં અડાલજ અને ખંભાત વચ્ચે માલની હેરફેર ઉપરથી તે સમયના અડાલજની સમૃદ્ધિ અને જાહોજલાલીનો ખ્યાલ આવે છે.

અડાલજનાં આ ગાડાં હાલનાં બળદગાડાં કરતાં મોટા કદનાં અને ગમે તેવા ભારે વજનને એક સાથે ગાડામાં ખેંચી લાવે તેવાં હતાં. આવા દરેક ગાડાંમાં ચારથી છ બળદ જોડી શકાય તેવી વ્યવસ્થા પણ હતી.

પણ અડાલજની આ જાહોજલાલી અને સમૃદ્ધિ ખંભાત બંદરને આભારી હતી. ઈ.સ. ૧૪૦૦ પછી ખંભાત બંદર પૂરાવા માંડયું હતું. સુરત અને મુંબઈ નવા બંદર ઉઘડયાં. ઈ.સ. ૧૪૧૧માં અડાલજ અને કર્ણાવતી શહેરની વચ્ચે અમદાવાદ શહેરની સ્થાપના થઈ. આ બધાં કારણોથી અડાલજના ખંભાત સાથેના પરદેશોના વેપારને મોટો ફટકો પડયો. પરિણામે ઈ.સ. ૧૪૦૦ના અરસામાં ઘણાં કૂર્મી કુટુંબોને- કણબી પાટીદારોને અડાલજ છોડવાની ફરજ પડી.

ઈ.સ. ૧૫૭૩- અકબરનો સમય

ઈ.સ. ૧૫૭૩માં દિલ્હીના મોગલ બાદશાહ અકબરે ગુજરાત જીત્યું. આમ ગુજરાતમાં મોગલની સત્તા સ્થપાઈ.

અકબરના પ્રધાન ટોડરમલે ગુજરાતની જમીનની માપણી કરી. ગામડાંઓનાં ગામતળ, ખેડવા લાયક જમીન, પડતર જમીન, ગૌચર એમ જમીનોનું વર્ગીકરણ કર્યું. ખેડૂતો જે જમીનો ખેડતા હતા તે જમીનોના સર્વે નંબર, ક્ષેત્રફળ અને ખેડૂતો પાસેથી લેવાની વાર્ષિક મહેસૂલની રકમ નક્કી કરવામાં આવી. આવું નિયમિત જમીન મહેસૂલ ઉઘરાવવા માટે સરકાર તરફથી ઈજારદારો નીમવામાં આવ્યા. આ ઈજારદારો કરોડિયા કહેવાતા હતા.

દરેક કરોડીઓ મહેસૂલ પેટે સરકારને એક કરોડ દામ એકઠા કરી આપતો. તે વખતે ૪૦૦ દામનો એક રૃપિયો (એક ટકો) ગણાતો હતો. રૃપિયાને બદલે ટકાનું ચલણ હતું. આમ દરેક કરોડિયાને વાર્ષિક એક કરોડ દામ એટલે ૨૫૦૦૦ રૃ. સરકારને એકઠા કરી આપવા પડવા હતા.

કરોડિયાઓનો ખેડૂતો પર જુલ્મ

દુકાળ અથવા ચોમાસાની નિષ્ફળતાના સમયે ખેડૂતો કરોડિયાઓને મહેસૂલ ભરી શક્તા નહીં. આ સમયે કરોડિયાઓ ખેડૂતો ઉપર જુલમ કરતા. તેમને હેડમાં પૂરતા, માર મારીને વેઠ કરાવતા, તેમની ઘરવખરી લૂંટી લેતા અને કોઈ કોઈ વખત તેમના શરીર ઉપરની ચામડી પણ ઊતારી લેતા.

મહેસૂલના ઈજારાઓ મેળવતા પટેલો

અકબરે ખેડૂતો ઉપરનો આ જુલમ ઓછો કરવા માટે કરોડિયાઓને ખૂબ વિનંતી કરી. છતાં કરોડિયાઓએ ખેડૂતો ઉપરનો આ જુલ્મ ચાલુ રાખ્યો અને છેવટે અકબરે ટોડરમલની મારફતે કરોડિયાઓની યોજના બંધ કરાવી. ટોડરમલે કરોડિયાઓની યોજનાને બદલે મહેસૂલ ઉઘરાવવાના ઈજારા ગામ આગેવાનોને સોંપ્યા. આ વખતે ગુજરાતના મહેસૂલના મોટા ભાગના ઈજારાઓ કણબીઓ અને નાગર બ્રાહ્મણોએ કબૂલ કર્યા. આમ આખા ગામ તરફથી એક જ મુખ્ય માણસ મહેસૂલ ઉઘરાવી આપવાની જવાબદારી લેવા માંડયો. સરકારનું મહેસૂલ ઉઘરાવી આપનાર આવા મુખ્ય માણસો પટેલ કહેવાયા.

આ સમયે કોઈ ખેડૂત જમીનનો માલિક હતો નહિ. જે ખેડૂતો મહેસૂલ ન આપી શકે તેમની જમીનો ગામ આગેવાનો આંચકી લેતા હતા. આવી આંચકી લીધેલી જમીનો બીજા ખેડૂતોને વાવવા આપતા. આ સમયે જમીનની કોઈ કિંમત હતી નહિ. જમીન ઉપર રાજ્ય સિવાય કોઈનો હક્ક હતો નહિ. આ સમયે ખેડૂતો પાસે જમીનનો માલિકી હક નહિ હોવાથી અને ગમે તે સ્થળે જવાથી ખેડવા માટે સહેલાઈથી સારી જમીન મળી આવતી હોવાથી પાટીદારો ગુજરાતનાં ગામડાંઓમાં સ્થિર વસવાટ કરી શક્યા નહિ.

પાટીદારોનું ભટકતું જીવન

આ સમયે મોટા ભાગના પાટીદાર કુટુંબો સારી જમીનની શોધમાં એક ગામથી બીજે ગામ તેમનાં બૈરાં છોકરાં, ઢોર

ઢાંખર અને રાચરચીલા સાથે ભટકતું જીવન પણ ગુજારતા હતા. જીવાજી પટેલના સમયમાં ઈ.સ. ૧૬૬૬માં ગુજરાતની મહેસૂલ પદ્ધતિમાં ધરખમ ફેરફાર થયો. ખેડૂતો જે જે જમીનો વાવતા હતા. તે તે જમીનોના તેમને ઔરંગઝેબે કાયમી માલિક બનાવ્યા. આમ જમીનના માલિકી હક મળતાં ખેડૂતોને પોતાની જમીન, માલ- મિલકત અને ગામતળમાં આવેલાં પોતાનાં ઘર માટે મમત્વ જાગ્યું. અને આ મમત્વના લીધે પાટીદાર ખેડૂતો ગુજરાતનાં ગામડાંઓમાં સ્થિર થયા.

દશમી પેઢીના માંડણજી પટેલ

દશમી પેઢીનાં માંડણજી પટેલ થયા. તેમના સમયમાં ઈ.સ. ૧૭૩૦માં દિલ્હીના અમદાવાદ જૂના સુબેદાર સર બુલંદખાન અને દિલ્હીના નવા સુબેદાર અભેસિંહ વચ્ચે અડાલજ મુકામે ભારે લડાઈ થઈ. આ લડાઈ વખતે બંને લશ્કરોએ અડાલજને લૂંટયું. આથી અડાલજના લોકોનો મોટો ભાગ ગામ છોડીને ચાલ્યો ગયો. માંડણજી પટેલને બીજા પાંચ ભાઈ હતા. રૃપજી, રતનજી, નાગજી, નરસિંહદાસ અને વાલજી. ઈ.સ. ૧૭૩૦ના અડાલજના આ ભયંકર યુદ્ધ વખતે માંડણજી પટેલ તેમના પાંચ ભાઈઓને લઈને સાવલી (જિ. ખેડા) ગયા. યુદ્ધ શાંત થતાં માંડણજી પટેલ અડાલજમાં પાછા આવ્યા. તેમના પાંચે ભાઈઓ સાવલી રહ્યા અને પાંચે ભાઈઓના વંશવારસો ત્યાંથી વડોદરા અને ભરૃચ તરફ ગયા. માંડણજી પટેલને ચાર દીકરા હતા. મકનદાસ, મનજી, ધનજી અને મૂળજી.

માંડણજી પટેલના આ ચારે દીકરાઓ અડાલજમાં રહ્યા. હાલમાં અડાલજમાં તેમની ચાર ખડકીઓ છે. હાલમાં માંડણજી પટેલના વંશમાં અડાલજમાં ૧૦૦ જેટલાં કુટુંબો છે.

ઈ.સ. ૧૬૬૬માં ઔરંગઝેબે ગુજરાતના ખેડૂતોને જમીનના માલિકી હક્ક આપ્યા. આથી ખેડૂતોએ પોતાની જમીનને વધુ ફળદ્રુપ બનાવી તેમાંથી વધુ ઉત્પાદન મેળવવાના પ્રયત્ન કર્યા. પરિણામે અડાલજના ખેડૂતોએ જમીન સુધારી, ખેડી અને ફળદ્રુપ બનાવી. ઈ.સ. ૧૬૬૬ પછી અડાલજના ખેડૂતોએ તેમના ખેતરોના પાકને પાણી પૂરું પાડવા માટે જાત મહેનત કરી કૂવાઓ પણ બનાવ્યા. આમ અડાલજના પાટીદાર ખેડૂતોએ ખેડ, ખાતરને પાણી, લાવે કર્મને તાણી એ સિદ્ધાંત ઈ.સ. ૧૬૬૬ પછી અડાલજમાં સાબિત કરી બતાવ્યો. એ સિદ્ધાંત પ્રમાણે અડાલજની જમીન ફળદ્રુપ બનાવી. આવી ફળદ્રુપ જમીનના ઈ.સ. ૧૬૬૬ પછી પાટીદારો કાયમના માલિક બન્યા અને જમીનોના કાયમી માલિક બનવાથી માંડણજી પટેલના વારસો અડાલજમાં સ્થિર થયા.

ઈ.સ. ૧૬૬૬માં ઔરંગઝેબે ગુજરાતના જે જે ખેડૂતો જે જે જમીનો ખેડતા હતા તે બધી જમીનોના તેમને કાયમના માલિક બનાવ્યા. આથી પાટીદારોને પોતાની માલિકીની જમીન વધારે ફળદ્રુપ બનાવી તેમાંથી વધારે ઉત્પાદન લેવાનું મમત્વ જાગ્યું. ઉપરાંત પાટીદારોએ દરેક ગામની જમીન મહેસૂલના ઈજારા-મહેસૂલની કુલ રકમ ભરવાનું માથે લીધું. આથી પાટીદારો જે જે ગામોમાં ખેતી કરતા હતા તે ગામો છોડીને બીજાં ગામો તરફ ભ્રમણ કરવાનું બંધ કર્યું. આમ પાટીદારો ઈ.સ. ૧૬૬૬ પછી ગુજરાતનાં ગામડાંઓમાં સ્થિર થયા

Monday, November 16, 2009

history of patel 3

સિદ્ધરાજના સમયમાં અડાલજના રામજી પટેલ પાટણ, વાલમ, બાલિસણા, મણુંદ, રણુજ વગેરે પાટણવાડાનાં લેઉવા પાટીદારોનાં ગામોના આગેવાન હતા. સિદ્ધરાજના દરબારમાં તેમનું સારું માન હતું. સિદ્ધરાજ રાજ્યનાં ગામોમાં ફરવા નીકળતા ત્યારે રામજી પટેલ ઘણીવાર તેમની સાથે જતા. એક વખત સિદ્ધરાજ અને રામજી પટેલ શિકાર કરતાં કરતાં હાલના અડાલજ સુધી આવી પહોંચ્યા. તે વખતે અડાલજમાં કેટલાંક પાટીદાર ખેડૂતોનાં ઘર હતાં. છતાં અડાલજની આજુબાજુનો અને મધ્ય ગુજરાતનો ઘણો પ્રદેશ ઉજ્જડ અને વેરાન હતો. આથી સિદ્ધરાજે અડાલજમાં વધારે ખેડૂત કુટુંબો વસાવી આ પ્રદેશનો વિકાસ કરવાની યોજના ગોઠવી. આ કામમાં રામજી પટેલે સિદ્ધરાજને મદદ કરી. રામજી પટેલ પાટણવાડાથી ઘણાં પાટીદાર કુટુંબો લઈને અડાલજ આવ્યા. અડાલજથી દસ્ક્રોઈ, ભાલ, ચરોતર, કાનમ, વાકળ વગેરે પ્રદેશોમાં પાટીદારો વસાવ્યા.

સ્કંદપુરાણમાં અડાલજને અડ્ડાલય નામે રાક્ષસીનું વધસ્થળ બતાવવામાં આવ્યું છે. આ શ્લોકમાં અડાલજ ગામ માટે અટ્ટાલજ,અડ્ડાલયાજ, અટ્ટાલજ, અડાલયિજ, અડાલયિજ ગ્રામ, અડાલયિજ પ્રદેશ, અડાલિજ અને અડાલંજ એમ વખતોવખત અપભ્રંશ થયેલાં અનેક નામો વપરાયેલાં છે.

વાવનો શિલાલેખ

ઈ.સ. ૧૪૯૯માં અડાલજમાં બાંધવામાં આવેલી રૃડાબાઈની વાવના શિલાલેખમાં સંસ્કૃત ભાષામાં અડ્ડાલિજ અને જૂની ગુજરાતી ભાષામાં અડાલિજ એમ કોતરવામાં આવ્યું છે. આમ અડાલજ માટે પુરાણોના સમયથી અત્યાર સુધીમાં વખતોવખત અપભ્રંશ થયેલાં અનેક નામો વપરાયેલાં છે. ઈ.સ. ૧૪૯૯માં અડાલજનાં વાઘેલા રાવ વીરસિંહ હતા. વીરસિંહના તાબામાં અડાલજની આજુબાજુનાં ૧૦૦ જેટલાં ગામો હતા. આ પ્રદેશને દંડાડિ પ્રદેશ કહેતા હતા. આવા દંડાહી દેશના અડાલજના વાઘેલા રાવ વીરસિંહનાં પત્નીનું નામ રૃડાબાઈ હતું. આ રૃડાબાઈએ સંવત ૧૫૫૫ (ઈ.સ. ૧૪૯૯માં) મહાસુદ પાંચમના રોજ તેમના પતિના સ્મરણાર્થે અડાલજમાં રાજ્યના ખજાનામાંથી પાંચ લાખ રૃપિયા (તે સમયના પાંચ લાખ ટકા) ખર્ચીને અડાલજમાં વાવ બંધાવી. વાવ બાંધનાર મુખ્ય કારીગર શ્રીમાળી જ્ઞાાતિના ભીમા સૂત્ર હતા.

સ્કંદપુરાણમાં અડાલજ ગામ ક્યારે વસ્યું તેનો કોઈ ઉલ્લેખ નથી. પણ હાલના અડાલજ ગામ અને તેના સીમાડામાં ૧૦ થી ૧૨ ફૂટ નીચે ખોદકામ કરતાં ૧૮ ઈંચ લાંબી અને ૧૦ થી ૧૫ કિલોગ્રામ વજનવાળી ઈંટોના મકાનોના પાયા મળી આવે છે. આ પાયા ચૂનાથી ચણેલા છે અને તેમાં કેટલેક સ્થળે ગંદા પાણીના નિકાલ માટે પાકી મોરીઓ (ગટરો) બાંધેલી છે.

આ ઉપરથી કલ્પી શકાય કે હાલના અડાલજના સ્થરે પ્રાચીન સમયમાં (ઈ.સ. પૂર્વે) કોઈ એક સંસ્કૃતિવાળું નગર હોવું જોઈએ. આ નગર તેની બાજુમાં આવેલી સાબરમતી નદીના ભારે પૂરના લીધે, કોઈ અકસ્માતના લીધે અથવા ધરતીકંપથી દટાઈ ગયું હશે. એટલે હાલના અડાલજની નીચે પ્રાચીન અડાલજ ગામ દટાઈ ગયેલી સ્થિતિમાં હાલમાં પણ પડેલું છે.

પ્રાચીન અડાલજ ગામ દટાઈ ગયા પછી ફરીથી હાલનું અડાલજ ગામ ક્યારે વસ્યું તે બતાવતાં કોઈ ઐતિહાસિક સંશોધન થયાં નથી. આમ અડાલજની ખંડિત ર્મૂિતઓનાં શિલ્પકામ જોતાં બીજી વખતનું અડાલજ ગામ ઈ.સ.૩૦૦ થી ઈ.સ.૪૦૦ સુધીમાં અથવા તે પહેલાં વસેલું હશે એમ અનુમાન કરી શકાય છે. ઈ.સ.૪૦૦થી ઈ.સ.૭૦૦ સુધીમાં ઉત્તર ભારત, રાજસ્થાન તથા ઉત્તર ગુજરાતનાં ઘણાં લેઉવા પાટીદાર કુટુંબો (લોર કૂર્મીઓ) અડાલજમાં આવીને વસ્યા. આમ ગુજરાતમાં લેઉવા પાટીદારોની પહેલી મુખ્ય વસાહત અડાલજ બન્યું. ઈ.સ. ૫૦૦ થી અડાલજના પાટીદારો ભાલ, દસક્રોઈ અને ખંભાત પ્રદેશમાં ફેલાવા માંડયા. ઈ.સ.ના છઠ્ઠા સૈકામાં ખંભાતથી આગળ વધીને આણંદ તાલુકાના ગાનાગામ સુધી પહોંચી ગયા.

અડાલજ તોડનાર જુનેદ (ઈ.સ.૭૨૪)

ઈ.સ. ૭૨૪માં (હિજરી સંવત ૧૦૫ વિક્રમ સંવત-૭૮૦માં) બગદાદના ખલિફા હશનના સમયે તેના સૂબા જુનૈદનું લશ્કર સિંધમાં હતું. આ સૂબાઓએ તેના લશ્કરની લુંટારું ટોળીઓ મારવાડ, માળવા, ભરૃચ, ઉજ્જન, ભિન્નમાલ અને જુજ (ગુજરાત) પ્રદેશ ઉપર મોકલ્યાનું મુસલમાન ઈતિહાસમાં નોંધાયેલું છે. આ જુનૈદના સરદારોએ ઈ.સ. ૭૨૪ના અરસામાં ગુજરાતના ભિન્નમાલ, મોઢેરા અને પંચાસર તોડયા પછી ભરૃચ જતી વખતે રસ્તામાં આવેલા અડાલજ ગામને તોડયું, અડાલજને બાળ્યું, લૂટયું અને તેનાં મંદિરો અને ર્મૂિતઓ ખંડિત કર્યા.

દેવાતજની વસાહત

આ વખતે અડાલજના પાટીદારો ધોળકા અને ખંભાતના માર્ગે દેવાતજ સુધી પહોંચી ગયા. તેમણે દેવાતજમાં પાટીદારોની મોટી વસાહત સ્થાપી અને ત્યાંથી કેટલાંક કુટુંબો ખેડા જિલ્લાના જુદાં જુદાં ગામોમાં જઈને વસ્યાં. જુનૈદના લશ્કરે અડાલજ તોડયા પછી ભિન્નમાલ,મોઢેરા અને ઉત્તર ગુજરાતના ઘણા લોકો અડાલજમાં આવીને વસ્યા. ભિન્નમાલથી શ્રીમાળી બ્રાહ્મણો, શ્રીમાળી વાણિયાઓ, શ્રીમાળી કારીગરો; અને વણઝારાઓ અડાલજમાં આવ્યા. આ કુટુંબના વારસો આજે પણ અડાલજમાં છે અને શ્રીમાળી અટક ધરાવે છે. હાલમાં પાટણવાડામાં વાલમ, બાલિસણા, મણુંદ, રણુંજ અને પાટણની આજુબાજુનાં ગામડાઓનો બેતાલીસ ગામ લેઉવા પાટીદારોનો ગોળ છે. આ ગોળના લગભગ બધા ંજ ગામના લેઉવા અને કડવા પાટીદારો સિંધના મુસ્લિમ લશ્કરોના ડરને લીધે અડાલજમાં આવીને વસ્યા હતા. આ વખતે ઉત્તર ગુજરાતના લેઉવા અને કડવા પાટીદારોનાં ઘણાં ટોળાં અડાલજમાં આવ્યાં. આમ પાટીદારોએ અડાલજમાં ફરીથી એક મોટી વસાહત સ્થાપી.

અડાલજનો વિસ્તાર

અડાલજની આજુબાજુના પ્રદેશમાં દસ કિલોમીટર સુધી અડાલજ સિવાય બીજાં ગામડાં હતા નહીં. અડાલજની આજુબાજુના હાલનાં પોર,કુડાસણ,અંબાપુર, ઝુંડાલ, તારાપુર, રાયસણ, જમયિતપુર, ખોરજ, દંતાલી, શેરથા અને બીજા બધાં જ ગામડાં ઈ.સ. ૯૦૦ પછી વિકસેલાં અને વસેલાં છે. ફક્ત ઉવારસદ ગામ ઈ.સ.ની શરૃઆતથી કોઈ એક નાના ગામડા તરીકે હયાતિમાં હોય અને ઈ.સ. ૯૦૦ પછી વિકાસ પામ્યું હોય તેમ ત્યાંના જૂના સ્થળોના અવશેષો ઉપરથી જણાય છે. ઉપરનાં બધાં ગામોનો સીમાડો અડાલજના વિસ્તારમાં હતો. અડાલજની હદ પૂર્વ બાજુએ છેક સાબરમતી નદીના કિનારા સુધી હતી. અડાલજનો તે સમયનો આટલો મોટો વિસ્તાર એ અડાલજ ગામ એક મોટું અને સમૃદ્ધિવાળું નગર હતું તેનો પુરાવો છે. છતાં વસતીની દૃષ્ટિએ જોતાં એ સમયે અડાલજ ગામની વસતી વીસ હજાર કરતાં વધારે નહિ હોય તેમ સમજાય છે. એ સમયમાં આ પ્રદેશમાં ભારે વરસાદ પડતો હતો. આથી વર્ષમાં બે વખત વરસાદના પાણીથી પાક લેવામાં આવતો હતો. ગામની ચારે બાજુ ખોદેલાં અને બાંધેલા ૪૦ જેટલાં મોટા તળાવ હતા. જેમાંના ડાહોર, હરણી, મલાવ અને નાટવા જેવાં મોટા અને બીજાં વીસેક જેટલા તળાવો હાલમાં પણ મોજૂદ છે.

અડાલજનો વેપાર

ઈ.સ. ૧૩૦૦ સુધી આ ગામની મુખ્ય વસતી વણઝારાઓ, પાટીદારો, મોઢવાણિયા અને ભાટ બારોટોની હતી. આ ગામના પાટીદારો અને બીજા ખેડૂતોને ખેતી ઉપરાંત ખંભાત સુધી ગાડાં ફેરવવાનો ધમધોકાર ધંધો ચાલતો હતો. આમ આ ગામના પાટીદારો ચોમાસામાં ખેતી કરતા. ખેતીમાં પુષ્કળ અનાજ પકવતા, શિયાળા અને ઉનાળામાં વેપારનું અને ખંભાત સુધી ગાડાં ફેરવવાનું કામકાજ કરતાં. ખેતી, વેપાર અને ખંભાત સુધી માલની હેરફેરના લીધે અડાલજના પાટીદારો ખૂબ સુખી હતા.

એ વખતે સિંધમાં ઠઠ્ઠા બંદર હોવા છતાં સિંધનો માલ પણ અડાલજ થઈને ખંભાત જતો. દિલ્હી, લાહોર અને આગ્રાના માલને પરદેશ મોકલવા માટે ખંભાત એક જ અગત્યનું બંદર હોવાથી આ માલ પણ અડાલજ અથવા કપડવંજ થઈને ખંભાત જતો. આ સમયે હાલનાં ભારતનાં મોટા બંદરો, મુંબઈ, કલકત્તા અને મદ્રાસ હતાં નહિ. હાલના અમદાવાદના સ્થાને આશાવલ હતું જે ચોર, લૂંટારા અને ભીલ તથા કોળી લોકોનું મુખ્ય મથક હતું. આ બધાં કારણોથી અડાલજનો ખંભાત સાથેનો વેપાર ધમધોકાર ચાલ્યો હતો. અડાલજની જાહોજલાલીના પતનનાં મુખ્ય બે કારણો હતાં : (૧) અલ્લાઉદ્દીન ખીલજીનું ગુજરાતમાં આવવું; અને ૨) ખંભાત બંદરનું પૂરાઈ જવું.

અલ્લાઉદ્દીન ખીલજી

ઇ.સ. ૧૨૯૭માં અલાઉદ્દીન ખીલજીએ તેના ભાઈ અલફખાન તથા વઝીર નસરતખાનને લશ્કર આપી પાટણ ઉપર મોકલ્યા. તેમણે પાટણ જીતી લીધું. ગુજરાતનો છેલ્લો રજપૂત રાજા કરણઘેલો નાસી ગયો. ત્યારબાદ અલફખાને ખંભાત જીત્યું. પાટણથી ખંભાત જતાં અલફખાને અડાલજમાં લશ્કરનો પડાવ નાખ્યો. આ વખતે અલફખાને અડાલજને તોડયું અને અડાલજની ખેતી તથા વેપારની જાહોજલાલીની પડતીની શરૃઆત થઈ. ખંભાત બંદર બંધ થઈ જતાં અડાલજનો વેપાર પડી ભાગ્યો. અડાલજના ખેડૂતોને ભાડે ગાડાં ફેરવવાનું કામ ઓછું થયું. અને અડાલજની જાહોજલાલીનું પતન થયું.

અડાલજના લેઉવા પાટીદારો

ઈ.સ. ૭૦૦થી ઈ.સ. ૧૨૦૦ના અરસામાં અડાલજના પાટીદારો દસ્ક્રોઈ અને ભાલ પ્રદેશમાં ફેલાયા. અડાલજના પાટીદારોને બારે માસ વેપાર માટે ખંભાત અને નગરા જવું પડતું. તેમને પોતાના ગાડાં અને માલસામાન સાથે ખંભાત બંદરે રોકાવું પણ પડતું. આથી તેમણે ખંભાતથી ૪૦ કિ.મિ. દૂર હાલના સોજીત્રા પાસે ઈ.સ. ૭૨૫ના અરસામાં દેવાતજ ગામ વસાવી ત્યાં પોતાની મોટી વસાહત સ્થાપી. તે વખતે દેવાતજ અને હાલના સોજીત્રા પાસેથી ભારતના મોટા ઘોરી માર્ગો પસાર થતા હતા. આથી દેવાતજમાં રહીને પાટીદારોને ગાડાં મારફતે માલની અવરજવર કરવાની મોટી અનુકૂળતા હતી.

પાટીદારોનો ચરોતરમાં પ્રવેશ

ઈ.સ. ૫૦૦થી અડાલજના પાટીદારો ચરોતરમાં પ્રવેશવા માંડયા હતા. પણ તે સમયે ચરોતરમાં તેમની સંખ્યા ઘણી ઓછી હતી. દેવાતજની વસાહત સ્થાપ્યા પછી ત્યાંના અડાલજના પાટીદારો ઈ.સ. ૭૨૫થી ઈ.સ. ૧૨૦૦ના અરસામાં દેવાતજની નજીક શ્રીયાનગર પાસે આવેલા (હાલનું વસો) સોજીત્રા, ધરમજ, બોરસદ, બાકરોલ, તારાપુર, પેટલાદ, બોરસદ, ડભાણ, ખેડા, નડિયાદ, પીપળાવ, પીજ,નાર, ઓડ, ઉત્તરસંડા, મહુધા, પલાણા, ડાકોર, ઉમરેઠ, સારસા , આણંદ, ખંભાત અને સુરાશામળ સુધી ફેલાયા. આ ગામોમાંથી અડાલજના પાટીદારો ધીમે ધીમે આખા ખેડા જિલ્લામાં ફેલાઈ ગયા.

(

Sunday, November 15, 2009

history of patel 2

માળવા વિસ્તારમાંથી કૂર્મીઓ ગુજરાતમાં પહોંચ્યા ત્યારે ગુજરાતમાં અનેક રાજકીય ઊથલપાથલ જોવા મળી. ગુજરાતમાં પહેલું રાજ્ય મનુના પૌત્ર આનર્તનું હતું. તેમને રૈવત નામનો પુત્ર હતો. તેની રાજધાની દ્વારકામાં હતી. અને ઈ.સ. પૂર્વ ૫૦૦ સુધી રાજસત્તા રહી. મૌર્ય યુગ દરમિયાન મૌર્યોની રાજગાદી મગધ પ્રાંતના શહેર કુશાવતી નગરમાં હતી તેમના તરફથી સૂબાઓ ગુજરાતમાં આવી સૌરાષ્ટ્રના ગિરિનગરમાં રહી રાજ ચલાવતા હતા. તે સમયે ગુજરાત આનર્ત (આનર્તપુર- વડનગર) સૌરાષ્ટ્ર (દ્વારકા ગિરિનગર) અને લાટદેશ (ભરૃચ) એમ ત્રણ ભાગમાં વહેંચાયોલ હતું. આ સમયે કૂર્મીઓ વાંસવાડા તરફના વડનગર સિદ્ધપુર બાજુના વિસ્તારોમાં આવી વસ્યા. ખેડા અને ધંધૂકાનો પ્રદેશ મહીવાસી લૂંટારાથી ત્રાસિત હતો. ગુજરાતનો મધ્ય ભાગ અરાજક્તાથી ભરપૂર હતો. સાતમા સૈકાનાં શરૃઆતમાં પંચાસરમાં ચાવડા વંશની શરૃઆત થઈ તેથી અગાઉ છઠ્ઠા સૈકાની શરૃઆતમાં વલ્લભીપુરની સ્થાપના થઈ ચૂકી હતી.

ઈ.સ. ૬૯૦માં પંચાયત રાજ્ય સ્થપાયું ત્યાર પછી વનરાજ ચાવડાએ ઊંઝા જીતી લીધું અને ઈ.સ. ૭૪૬માં અણહીલપુર પાટણ વસાવી રાજ વહીવટ શરૃ કર્યો. આ સમયે કૂર્મીઓએ તેમની સર્વોેપરી સત્તા સ્વીકારી. તે સમયે ઊંઝામાં વસવાટ કરતા વ્રજપાલજીના વંશજ સાથે ગોધા પટેલના પુત્ર શિવજી પટેલને વાંધો પડતાં તેઓ ઈ.સ. ૫૫૬માં પોતાના મળતીયા કૂર્મીઓને લઈને ગુજરાતના મધ્યભાગમાં આવેલા ભીલનગર આસાવલ્લીમાં વસ્યા. ઊંઝામાં વનરાજ ચાવડાની સત્તા ન સ્વીકારી અન્ય એક વ્રજપાલે ઈ.સ. ૭૪૬માં પોતાના રસાલા સાથે ઈડર તરફ જઈ કાવર ગામ વસાવ્યું. તેમની સાથે જ ઈડર સુધી આવેલ જામળીયા તરીકે ઓળખાતા કૂર્મી પાટીદારના પૂર્વજ પટેલ સંદાધિ પોપટજી અન્ય કૂર્મીઓને લઈ ઈડર પરગણાંના જામળા ગામે વસવાટ કર્યો.

ચાવડા વંશમાં કૂર્મીઓને ખેતીમાં લાભ મળતાં તેમની આવકમાં વધારો થયો અનેે વધુ ને વધુ પડતર જમીન ખેડાવા લાગી. તેના પરિણામે રાજ્યની મહેસૂલ ઊપજમાં પણ વધારો થયો. જાહોજલાલીથી લોભાઈ પ્રધાન ચાંપરાજે ગુજરાત અને માળવાની સરહદેથી દેશનું રક્ષણ કરવા મહાકાળી ડુંગર ઉપર શહેર વસાવ્યું અને નામ આપ્યું ચાંપાનેર.શહેરની ફરતે મજબૂત કિલ્લો બંધાવ્યો ને કણબીઓ ખેતી માટે અહીં વસ્યા.

ઈ.સ. ૧૯૦૪થી સિદ્ધરાજ જયસિંહ રાજ્ય આવ્યું. આ સમયે કણબીઓની ૪૨ જેટલી શાખના કણબીઓને ચરોતર અને ભાલ પ્રદેશની રસાળ જમીન ખેતી માટે આપવામાં આવી. તેમને આ જમીનના સ્વતંત્ર માલિક બનાવ્યા. કણબીઓ પોતાની પેદાશમાંથી અમુક ભાગ મહેસૂલ તરીકે રાજાને આપતા હતા. સિદ્ધરાજ જયસિંહના રાજઅમલમાં કણબીઓ જમીનના માલિક બની સુખશાંતિથી રહેતા હતા.

સોલંકી વંશના અંત પછી વાઘેલા વંશના રાજાઓ આવ્યા. આ વંશના કરણ વાઘેલાના રાજ્યાભિષેક સુધી તો લોકો સુખ શાંતિમાં રહેતા હતા. પરંતુ કરણ વાઘેલાના અવિચારી પગલાંથી ગુજરાતની પાયમાલી શરૃ થઈ એ સાથે જ કણબીઓની પણ મુશ્કેલીઓની શરૃઆત થઈ.

ગુજરાત વેરાન થયું

ગુજરાતનાં બંદરોને કારણે તેની જાહોજલાલીની સુવાસ દરિયાપારના દેશો સુધી ફેલાયેલી હતી. પરંતુ ગુજરાતનોે મધ્યભાગ વેરાન હતો. કણબીઓ મધ્ય ભાગમાં આવી વસ્યા અને કાળજીપૂર્વક ખંત અને સખત મહેનતથી ખેતી કરવા લાગ્યા પરંતુ ઉજ્જડ, વેરાન જમીન પર આ કણબી ખેડૂવર્ષની ત્રણ ઋતુ શિયાળો, ઉનાળો અને ચોમાસુ પાક લેતો થયો. જમીનનાં સ્વતંત્ર માલિક હોવાથી અને માત્ર ર્વાિષક રાજભાગ આપવો પડતો હોવાથી તેઓ ખેતીમાં ખાસ કાળજી લેતા હતા એ સમયની કણબીઓની આર્િથક સ્થિતિને ગ્રહણ લાગ્યું કે કેમ ? પરંતુ તત્સમયના રાજા કરણ ઘેલાની ભૂલને કારણે પ્રજાને સહન કરવાનો સમય આવ્યો.

વાઘેલા વંશના છેલ્લા રાજા કરણે પ્રધાન માધવની પત્નીનું અપહરણ કર્યું. માધવનો ભાઈ વચ્ચે પડયો અને પોતાનો પ્રાણ આપ્યો. વેરના આવેશમાં માધવે દિલ્હી જઈ અલ્લાઉદ્દીન ખીલજીને ભંભેર્યો. અલાઉદ્દીને પોતાની જંગી ફોજને ગુજરાત મોકલી. ગુજરાતની હદમાં દાખલ થતાં જ આ યવન સૈનિકોએ જે અત્યાચાર શરૃ કર્યો તેની કલ્પના તો પ્રધાન માધવે સ્વપ્નમાં પણ કરી નહીં હોય ! અત્યાચારી ફોજે ગામડાં લૂંટયાં, ગામોને આગ લગાડી, અબાલ વૃદ્ધની નિર્દયપણે કતલ ચલાવી, ખેતીવાડીને બાળી મેદાન કર્યા પરિણામે પોતાની ખેતીવાડી, મિલકત, પરિવાર લૂંટાઈ જતાં કણબીઓ નિરાધાર થઈ ગયા. યવનોને આ દુષ્કાર્યથી દૂર રાખવા માધવે પ્રયત્ન કર્યો પરંતુ તેને સફળતા ન મળી. ન છૂટકે માધવે કાળજું કઠણ રાખી આ બધું સહન કર્યું. પોતાનો ક્રોધ શાંત થતાં માઘવની આંખ ઊઘડી. પોતાની વેરની આગમાં દેશની નિર્દોષ રૈયતને જે સહન કરવું પડયું તેનો વિચાર કરતાં તે મનોમન પશ્ચાતાપ કરવા લાગ્યો.

વિજયી યવનોએ શાહૂકારોને લૂંટયા, શહેરો લૂંટયાં, ર્મૂિતઓ તોડી, મંદિરો તોડયાં, અબળાઓ ઉપર અત્યાચારો કર્યા પરિણામે ગામડાંની સ્થિતિ એ સમયે કેવીક હશે તેની કલ્પના જ કરવી રહી. ગુજરાત પર વિજય મેળવ્યા પછી ગુજરાતની લગામ અલાઉદ્દીન ખીલજીના સૂબા અલફખાને હાથમાં લીધી. તેણે ગુજરાતને લૂંટવાનું સતત ચાલું રાખ્યું. આમ ગુજરાત પ્રાંત અને સ્વતંત્ર રાજકર્તાના તાબામાંથી દિલ્હીના બાદશાહનું ખંડીયો પ્રાંત બન્યો. દિલ્હીથી નીમવામાં આવતા સૂબા દ્વારા રાજ્યનું સંચાલન થતું. સૂબાઓએ અસલ રાજનગર અણહિલપુર પાટણને જ રાજધાની શહેર તરીકે ચાલુ રાખ્યું પરિણામે નજીકના ત્રાસથી બચવા કણબીઓએ ચાંપાનેર તરફ પ્રયાણ કર્યું.

ગુજરાતમાં આવેલ આફતથી શાંતિ મેળવવા ચાંપાનેર વસેલા કણબીઓએ આ પ્રદેશને ખેતી દ્વારા જે જાહોજલાલી આપી પરિણામે તેની સુવાસ આસપાસ માળવા અને મધ્ય ગુજરાત સુધી ફેલાઈ આ સ્થિતિના સમાચાર જાણી અમદાવાદના સ્વતંત્ર સુલતાનોએ રાજલોભથી આ તરફ નજર નાખી, એકથી વધુ વખત પ્રયત્નો કર્યા પરંતુ સફળતા ન મળી. છેવટે ઈ.સ. ૧૪૮૩માં મહેમૂદ બેગડાએ બે વર્ષ સુધી લડાઈ ચાલુ રાખી અજય ગણાતા ગઢને જીત્યો. પરિણામે કણબીઓએ અહીંથી વડોદરા, દક્ષિણ ગુજરાત અને અમદાવાદ તરફ પ્રયાણ કર્યું.

અમદાવાદ શહેરને ગુજરાતની રાજધાની બનાવ્યા પછી રાજ કરનાર સ્વતંત્ર સુલતાનોએ તેના વિકાસ માટે વધુ ધ્યાન આપ્યું. પરિણામે કણબીઓએ અમદાવાદની આજુબાજુ વસવાટ શરૃ કર્યો. સમય જતાં સ્વતંત્ર સુલતાનો આનંદ- પ્રમોદમાં ડૂબ્યા પરિણામે સત્તા નબળી પડતી ગઈ. ઈ.સ. ૧૫૭૩માં દિલ્હીના મોગલ બાદશાહ અકબરે ગુજરાત પ્રાંત જીતી, ગુજરાતને દિલ્હીનું ખંડિયું રાજ્ય બનાવ્યું અને સૂબાઓએ ફરી સત્તા સંભાળી.

મુસ્લિમ સત્તા સમયે મરાઠાઓએ ગુજરાતનાં જાહોજ્લાલીવાળાં બંદરો સુરત, ભરૃચ, ખંભાત ઉપર ચડાઈ કરી, આ બંદરો લૂંટયાં. મરાઠા સરદાર દામજી ગાયકવાડ અને રંગોજી અમદાવાદ ઉપર ચડી આવ્યા. મરાઠાઓના આક્રમણથી દિલ્હીના સૂબાઓએ અમદાવાદ ઉપર તેમની અડધી સત્તા કબૂલ રાખી પરિણામે ગુજરાત પર બેવડી સત્તા થઈ. ઈ.સ. ૧૭૫૧-૫૩માં રઘુનાથ પેશ્વા અને દામાજી ગાયકવાડે મોટું સૈન્ય લઈ અમદાવાદ ઉપર ચડાઈ કરી અને દોઢ વર્ષ સુધી ઘેરા ઘાલ્યો. ઈ.સ. ૧૭૫૩-૫૪માં અમદાવાદ હિન્દુ રાજાઓના હાથમાં આવ્યું. એ સમયે પેશ્વા અને ગાયકવાડ બંને સત્તા ચલાવતા હતા.

અમદાવાદમાં મરાઠાઓના સંયુક્ત વહીવટ દરમિયાન પાણીપતનું યુદ્ધ થયું અને તેમાં મરાઠાઓની હાર થઈ. મરાઠાઓને ખૂબ સહન કરવું પડયું. દામાજીરાવ ગાયકવાડ પાણીપતના યુદ્ધમાં ભાગ લેવા ગયા હતા ત્યાંથી બચેલું પોતાનું લશ્કર લઈને ગુજરાત પાછા આવતા હતા. આ સ્થિતિનો લાભ લઈ ખંભાતના નવાબે જે કાંઈ લશ્કર હતું તે એકઠું કરી ધોળકા રસ્તે થઈ અમદાવાદનોે કબજો લઈ લીધો. ગુજરાતને કબજે કર્યાની હકીકત નવાબે દિલ્હી મોગલ બાદશાહને આપી. બાદશાહે ખંભાતના નવાબને ગુજરાતનો સૂબો બનાવ્યો અને મોમીનખાનનો ઈલ્કાબ આપ્યો.

પાણીપતમાં હાર્યા પછી પેશ્વા અને ગાયકવાડનું લશ્કર ગુજરાત તરફ આવી રહ્યું હતું. તેને સમાચાર મળ્યા કે ગુજરાતનો કબજો નવાબે લીધો છે પરંતુ તેની પાસે મોટું લશ્કર નથી, દિલ્હીથી મદદ આવે તેમ ન હતી કારણ કે દિલ્હીના બાદશાહને સારી રીતે નુકસાન પહોંચાડયું હતું. મરાઠા લશ્કર અમદાવાદ આવ્યું અને અમદાવાદને ઘેરો નાખ્યો. શહેરનો કબજો લીધો ખંભાત શહેરને તાલુકો નવાબ પાસે રહે એ શરતે નવાબે અમદાવાદનો કબજો પેશ્વા અને ગાયકવાડને સોંપી દીધો. મરાઠાઓએ ગુજરાતના નવાબો અને હિન્દુ રજવાડાંના રાજાઓ સાથે ચોથાઈનાં નવાં ખતપત્રો કર્યા. રાજ્યોમાંથી દર વર્ષે ચોથ ઉઘરાવવાનું શરૃ થયું.

ગાયકવાડે અઢારમી સદીના અંત પહેલાં અંગ્રેજો સાથે સુલેહ કરી અને પેશ્વાના વર્ચસ્વમાંથી મુક્તિ મેળવી. ઈ.સ. ૧૮૧૮ની ખડકીની લડાઈ પછી ગુજરાતમાં પેશ્વાનો ભાગ અંગ્રેજોના કબજામાં આવ્યો. સુરતના નવાબનો હિસ્સો તો અંગ્રેજોને અગાઉ મળી ગયો હતો.

ભરૃચનો નવાબ હૈદ્રાબાદના નિઝામનો નીમેલો હતો તેનો કબજો પણ અંગ્રેજોએ લઈ લીધો હતો. ગાયકવાડ અને અન્ય દેશી રજવાડાં પાસેથી લશ્કરના ખર્ચના બદલામાં અંગ્રેજોએ અમુક પ્રદેશો મેળવ્યા. આમ ગુજરાતમાં પાંચ જિલ્લા બ્રિટિશોના અને ચાર જિલ્લા ગાયકવાડ પાસે રહ્યા પરિણામે ગુજરાતમાં વસવાટ કરતા પટેલો બે ભાગમાં વહેંચાઈ ગયા.

(

Wednesday, November 11, 2009

history of patel

પંજાબના સપ્તસિંઘુ પ્રદેશ લેયાપ્રદેશમાંથી આવેલા કૂર્મિ ક્ષત્રિયો લેઉઆ કહેવાયા અને કરડપ્રદેશમાંથી આવેલા કૂર્મિ ક્ષત્રિયો કડવાકહેવાયા. લેયા લવએ વસાવેલી નગરી અને કરડકુશએ વસાવેલી નગરી હોવાનું કહેવાય છે.

પટેલ શબ્દનું મૂળ પટલિક

શ્રી હર્ષવર્ધન મહારાજાના ઈ.સ. ૬૩૧ના એક લેખમાં તથા બીજા કેટલાક લેખોમાં અક્ષપટલિક નામના એક અધિકારીનું નામ મળે છે. કેટલાક લેખોમાં મહાક્ષપટલિક અને ગ્રામાક્ષ પટલિક શબ્દો મળી આવે છે. પ્રબંધચિંતામણીમાં જ્યાં રાજકીય લખાણો થતાં હોય તે સ્થાનને અક્ષપટલ કહ્યું છે. સોલંકી તામ્રપત્રોમાં લેખક અક્ષપટલિક હોય છે.

મુખી

ગુજરાતના મુસલમાન સુલતાનોના સમયમાં (ઈ.સ. ૧૪૧૨થી ઈ.સ. ૧૫૭૩) ગામડાંઓમાં સરકારના મુખ્ય માણસ તરીકે મુખી નીમવામાં આવતા. મુખી એટલે મુખત્યાર, નેતા અથવા આગેવાન. મુખી શબ્દ અરબી ભાષાના મુક્તા શબ્દમાંથી આવ્યો છે.

પટેલ શબ્દની શરૃઆત

આવા મુખીને માનવંતા શબ્દોમાં પટલિક, અક્ષપટલિક અને અક્ષપટલ શબ્દના અપભ્રંશ તરીકે પટેલ કહેવા લાગ્યા. ક્રમે ક્રમે મુખીના (પટેલનાં) સગાંવહાલાં અને સંબંધીઓ પણ પટેલ કહેવાવા લાગ્યા. ગુજરાતમાં પટેલ શબ્દની શરૃઆત લગભગ ઈ.સ. ૧૪૦૦ પછી થયેલી જણાય છે. ઈ.સ. ૧૪૦૦ સુધી ગુજરાતના બધા જ પટેલો કણબી કહેવાતા હતા.

પટેલ શબ્દ અટક છે- જ્ઞાતિ નથી

પટેલ શબ્દ કણબી ઉપરાંત વાણિયા, બ્રાહ્મણ, મુસલમાન, હરિજન, દરજી, મોચી અને લગભગ બધી જ્ઞાતિઓના મુખી તેમજ જ્ઞાતિના આગેવાનો માટે વપરાવા લાગ્યો. પણ હાલમાં બીજી જ્ઞાતિઓમાં પટેલ શબ્દનો વપરાશ ઓછો થયો છે. હાલમાં ફક્ત કણબીઓને જ પટેલ કહે છે. આમ પટેલ શબ્દ એ કણબીઓની અટક છે, જ્ઞાતિ નથી.

કણબી અને પાટીદાર એ જ્ઞાતિ છે. મહારાષ્ટ્રમાં પટલિક ઉપરથી પાટિલ શબ્દ છે.

ગુજરાતમાં પાટીદાર શબ્દની શરૃઆત- પાટીદાર શબ્દનું મૂળ :

ગુજરાતમાં પટેલ શબ્દની શરૃઆત થયે લગભગ ૩૦૦ વર્ષ થઈ ગયાં હતાં. એ અરસામાં પીંપળાવ (જિ. ખેડા)માં વીર વસનદાસ નામે એક પટેલ હતા. તેઓ તે સમયના મોગલ બાદશાહ ઔરંગઝેબ સાથે સારો સંબંધ ધરાવતા હતા. તેમણે ધોળકા, માતર અને પેટલાદ તાલુકાનું મહેસૂલ ઉઘરાવવાનો ઈજારો મેળવ્યો હતો. તેમણે સંવત ૧૭૫૯ (ઈ.સ. ૧૭૦૩)માં પીંપળાવમાં સમસ્ત કણબી કોમનો એક મેળાવડો યોજ્યો. આ મેળાવડામાં ઔરંગઝેબના શાહઝાદા બહાદુરશાહને આમંત્રણ આપ્યું. આ મેળાવડામાં વીર વસનદાસે બાદશાહના દફતરમાં કણબીને બદલે પાટીદાર શબ્દ દાખલ કરાવ્યો.

(પાટીદાર= પત્તિદાર = પટ્ટદાર = જમીનદાર, પાટી = જમીનદાર = હોવું, પાટીદાર એટલે જેની પાસે જમીન હોય તે.)

પાટીદાર શબ્દનો અર્થ

પાટીદારનો અર્થ જમીન ધારણ કરનાર એવો થાય છે. પાટી= જમીન, દાર = ધારણ કરનાર, પાટી એ સંસ્કૃતમાંથી બનેલો પ્રાકૃત અને અપભ્રંશ શબ્દ છે, દાર એ ઈરાની ભાષાના દાસ્તન, દાર એટલે ધારણ કરવું એ ક્રિયાપદનું આજ્ઞાર્થ રૃપ છે.

વીર વસનદાસે કણબીને બદલે પાટીદાર શબ્દ જેવો મોટો ફેરફાર ઈ.સ. ૧૭૦૩માં કરાવ્યો હતો. છતાં ઈ.સ. ૧૯૦૦ સુધી ગુજરાતમાં પાટીદારો માટે કણબી શબ્દ બહુ પ્રચલિત હતો. પાટીદારોએ મહેસૂલ ઉઘરાવવાના ઈજારા લીધા અને અમીન તથા દેસાઈ બન્યા. વીર વસનદાસના સમયમાં કેટલાક નાગર બ્રાહ્મણો ગામડાંઓમાંથી મહેસૂલ ઉઘરાવવાના ઈજારાઓ રાખતા. આ નાગર બ્રાહ્મણો પાટીદારો ઉપર ખૂબ જુલ્મ કરતા. તેમની પાસે વેઠ કરાવતા અને મહેસૂલના નામે વખતોવખત તેમની મિલકતો પણ પડાવી લેતા. વીર વસનદાસે દિલ્હીના મોગલ બાદશાહ અને ગુજરાતના મોગલ સૂબાઓ પાસે લાગવગ વાપરીને મહેસૂલ ઉઘરાવવાના ઈજારાઓ પાટીદારોને અપાવ્યા. આ ઈજારાઓ રાખનાર પાટીદારો અમીન કહેવાયા. પેશ્વાના વખતમાં મહેસૂલ એકઠું કરનાર ઈજારદારો દેસાઈ કહેવાયા, આમ પાટીદારોમાં પટેલ ઉપરાંત અમીન અને દેસાઈ અટકો ચાલુ થઈ. વીર વસનદાસ ગુજરાતના પહેલા અમીન હતા.વીર વસનદાસ ગુજરાતના ગામડે ગામડે ફર્યા. ગુજરાતના ગામડાંઓના પટેલોને અમીનાત અપાવી. તેમણે ગરીબ પાટીદાર ખેડૂતોને ગામડે ગામડે કૂવાઓ કરાવી આપ્યા.આ રીતે તેમણે ગુજરાતના પાટીદારો ગામડાંઓમાં સ્થિર, સુખી અને સમૃદ્ધ બને તેવા પ્રયત્નો કર્યા.

પાટીદારોની અટકો

હાલમાં ગુજરાતના લેઉવા અને કડવા પાટીદારોમાં પટેલ, અમીન અને દેસાઈ આ ત્રણ મુખ્ય અટકો છે. સૌરાષ્ટ્ર અને કચ્છના પાટીદારોમાં તેમનાં જૂનાં સ્થળ અને ધંધા ઉપરથી અનેક અટકો ચાલે છે. સુરત, વલસાડ અને બારડોલીમાં પણ પાટીદારોના ધંધા ઉપરથી અનેક અટકો ચાલુ થઈ છે.

છેલ્લાં દસ વર્ષથી સૌરાષ્ટ્ર, કચ્છ અને સુરત વલસાડના પાટીદારો તેમની જુદી જુદી અટકોનો ત્યાગ કરી પટેલ અટક લખાવે છે અને જ્ઞાતિમાં લેઉવા કણબી અને કડવા કણબી શબ્દોને બદલે લેઉવા અને કડવા પાટીદાર લખાવે છે. આમ આખા ગુજરાતમાં હાલમાં પાટીદારોની એક જ અટક પટેલ છે.

પાટીદાર ગોળ

ઈ.સ. ૬૦૦ સુધી લેઉવા અને કડવા પાટીદારોમાં આંતરિક લગ્ન થતાં હતાં. પણ ઈ.સ. ૬૦૦ પછી ગુજરાતમાં ચાવડા અને સોલંકી રાજાઓના સમયમાં લેઉઆ અને કડવા પાટીદારોના સામાજિક રીતરિવાજોમાં એકાએક અજાયબ જેવા મોટા ફેરફારો થયા.આવા ઝડપી સામાજિક ફેરફારોને લીધે લેઉવા અને કડવા પાટીદારોનાં આંતરિક લગ્ન બંધ થયાં. આમ લેઉવા અને કડવા પાટીદારોનાં આંતરિક લગ્ન બંધ થતાં ધીમે ધીમે લેઉવા અને કડવા એમ બે સ્પષ્ટ પેટા જ્ઞાતિઓ પડી ગઈ.

આજથી ૫૦૦ વર્ષ પહેલાં બધા જ પાટીદારો એક જ સરખા ખેડૂતો હતા. તેમની પાસે વેપાર, ઉદ્યોગ, નોકરી કે શહેરીજીવન જેવું કંઈ જ હતું નહી. બધા પાટીદારો ગામડાંઓમાં રહેતા અને ખેતી કરતા.

કુળની દૃષ્ટિએ કોઈ ઊંચા કે નીચા હતા નહી, કન્યાઓની લેવડદેવડની બાબતમાં કોઈ વાડાબંધી, ગોળ કે જથ્થા હતા નહિ. બધા જ કડવા અને લેઉવા પાટીદારો પોતપોતાની અનુકૂળતા મુજબ આખા ગુજરાતમાં કન્યાઓની આપ-લે કરતા.

અમદાવાદના કુળવાન પાટીદારો

પણ ઈ.સ.૧૪૧૩માં અમદાવાદ શહેરની સ્થાપના થઈ. ગામડાના સુખી અને બુદ્ધિજીવી પાટીદારો અમદાવાદ શહેરમાં આવવા લાગ્યા. તેઓ શહેરમાં આવીને વેપાર, ઉદ્યોગ અને નોકરીઓમાં જોડાયા. અમદાવાદમાં પોતાનાં મકાનો બાંધ્યાં, સ્થાયી વસવાટ કર્યો અને આમ શહેરના પાટીદારો સુખી અને સમૃદ્ધ બનતાં કુળવાન અને ઊંચા ગણાવા લાગ્યા.અમદાવાદના આવા સુખી અને કુળવાન પાટીદારોને કન્યાઓ આપવા માટે ગામડાના

પાટીદાર ખેડૂતો પડાપડી કરવા લાગ્યા. પરિણામે શહેરના પાટીદારો ગામડામાં પરણવા જતાં પરઠણ અને દહેજ લેવા માંડયા અને વધુ નાણાં મેળવવા માટે એક કરતાં વધુ સ્ત્રીઓ પરણવા માંડયા. આ સમયે એક પત્નીવ્રતનો કાયદો હતો નહિ.ગામડાના ખેડૂતોને દીકરીઓ પરણાવવા ખૂબ ખર્ચ થવા માંડયું. પરિણામે ગામડાના પાટીદારોમાં દીકરીનો જન્મ એક મોટી આફત ગણાવા માંડી.છેવટે ગામડાના પાટીદારો જાગ્યા, સમજ્યા અને ઈ.સ. ૧૭૦૦ના અરસામાં ફક્ત લેઉવા પાટીદારોએ અમદાવાદમાં કન્યાઓ નહીં આપવાનું નક્કી કર્યું.આ સમયે ગામડાંના કડવા પાટીદારો અમદાવાદના કડવા પાટીદારોને કુળવાન ગણતા અને ખૂબ ખર્ચ કરીને પોતાની દીકરીઓ અમદાવાદના પાટીદારોને આપતા.અમદાવાદના કડવા પાટીદારોને કુળવાન માનવાનો રિવાજ ઈ.સ. ૧૯૩૦ સુધી ચાલ્યો. ઈ.સ. ૧૯૧૦થી ઈ.સ. ૧૯૭૦ સુધીમાં આ રિવાજ ધીમે ધીમે ઓછો થયો. તે પછી ગામડાના પાટીદારો અમદાવાદના કહેવાતા કુળવાન પાટીદારોને ઊંચા ગણતા નહીં અને પોતાની દીકરીઓ દુખી થાય તેવી રીતે અમદાવાદના પાટીદારોને આપતા નહોતા.

પરઠણ અને દહેજની શરૃઆત

પણ આ સમયે ગામડાઓમાં બીજી એક અસમાનતા ઊભી થઈ હતી. કેટલાંક ગામોનાં મોટાં કુટુંબોએ અમીનાત અને દેસાઈગીરી મેળવ્યાં હતાં. આ ગામોના પાટીદારોને ઈલ્કાબ ઉપરાંત કેટલીક જમીનો અને ગામો ઈનામમાં મળ્યાં હતાં. જે પાટીદારોએ અમીનાત અને દેસાઈગીરી મેળવ્યાં હતાં તેમની આવક ખૂબ વધી ગઈ. તેઓ જાતે ખેતી કરતા નહીં પણ બીજા ખેડૂતો પાસે ખેતી કરાવી તેમની પાસેથી ખેતીના પાકમાંથી ભાગ લેતાં.આમ ગામડાંના પાટીદારોમાં એક સુખી વર્ગ ઊભો થયો.આ સંજોગોમાં સાધારણ સ્થિતિના પાટીદારો ગામડાંના અમીનો અને દેસાઈઓને કન્યાઓ આપવા પડાપડી કરવા માંડયા અને પાટીદારોમાં પરઠણ અને દહેજની રકમ વધવા માંડી. જે ગામો ઊંચાં અથવા કુળવાન મનાતાં હતાં. તેમણે ઈ.સ. ૧૮૦૦ પછી પોતાની કન્યાઓ પોતાનાં ગામો બહાર ન આપવાનો વ્યવહાર ઊભો કર્યો. વધારામાં તેઓ બહારનાં નાનાં ગામોમાંથી મોટી પરઠણ લઈને કન્યાઓ લેતા. આમ કન્યાઓની લેવડદેવડ માટે મોટી અસમાનતા ઊભી થઈ.ઈ.સ. ૧૮૪૯માં નડિયાદ, મહુધા, ઓડ, સુણાવ, ઉત્તરસંડા, આણંદ, અલિદ્રા, વાંઠવાડી, વીરસદ અને બોરસદ એ દસ ગામોના પાટીદારો ખેડા જિલ્લાના કલેક્ટરને રૃબરૃમાં મળ્યા અને પરઠણમાં કોઈએ રૃ. ૩૦૧થી વધારે રકમ ન આપવી તેમ નક્કી કર્યું. ત્યારબાદ પેટલાદ તાલુકાના પાટીદારોએ મામલતદાર સમક્ષ પરઠણની રકમ રૃ. ૩૧૧ નક્કી કરીને સહી કરી. અમદાવાદ જિલ્લાના ઊંચા અને કુળવાન કહેવાતા કડવા અને લેઉવા પાટીદારોએ પણ કલેક્ટર સમક્ષ સહીઓ કરી. પણ પરઠણની રકમનું કોઈએ પાલન કર્યું નહિ. કન્યાઓ પરણાવવામાં ખૂબ ખર્ચ થવા માંડયું. છેવટે આ વિષય ઉપર વિચાર કરવા ઈ.સ. ૧૮૬૯માં ડાકોરમાં ખેડા અને અમદાવાદ જિલ્લાના લેઉવા પાટીદારોનું એક પંચ મળ્યું.

પાટીદારોનો પહેલો ગોળ (ઈ.સ. ૧૮૬૯) :

આ પંચમાં નડિયાદ, વસો, સોજિત્રા સાથે સાડા પંદર ગામોએ પોતાનો એક ગોળ, અથવા જથ્થો જાહેર કર્યો. તેમણે પરઠણની રકમ રૃ. ૩૧૧ નક્કી કરી દસક્રોઈ અને વાક્યના પાટીદારો તેમને કન્યા આપે તો તેમના માટે રૃ. ૪૦૧ નક્કી કર્યા. કાનમ અને બીજા કોઈ પણ ગામો નડિયાદના ગોળને કન્યા આપે તો પરઠણની રકમ રૃ. ૪૫૧ નક્કી કર્યા.